કાશ્મીરમાં શાંતિ છે પણ POKમાં આગ લાગી છે : અમિત શાહ
લોકસભાની ચૂંટણી ભ્રષ્ટ નેતાઓ કે પછી નરેન્દ્ર મોદી એ પસંદ કરવા માટે છે
બંગાળના શ્રીરામપુરમાં મમતા બેનરજીની કરી આકરી ટીકા
પાક ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે POK ભારતનો જ ભાગ હતો, છે અને ભવિષ્યમાં હશે તે વાતને દોહરાવતા ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે, આજે કેન્દ્ર સરકારે લીધેલા પગલાને કારણે કાશ્મીરમાં શાંતિ થઇ ગઈ છે પરંતુ POKમાં પથ્થરમારો થઇ રહ્યો છે. pokમાં રહેતા લોકો પાકિસ્તાનની સરકારનો વિરોધ કરે છે અને તેનાથી આઝાદી માંગે છે.
પશ્ચિમ બંગાળનાં શ્રીરામપુરમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ એક સમયે અશાંત કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હવે વિરોધ અને આઝાદીના નારાઓથી ગુંજી રહ્યું છે.
અમિત શાહે કહ્યું કે, પહેલા અહીં કાશ્મીરમાં આઝાદીના નારા સંભળાતા હતા હવે એ જ નારા PoKમાં સંભળાય છે. પહેલા અહીં પથ્થરમારો થતો હતો હવે PoKમાં પથ્થરબાજી થઈ રહી છે. PoK પર કબજો કરવાની માંગને સમર્થન ન આપવા બદલ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, મણિશંકર ઐયર જેવા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, આવુ ન કરવું જોઈએ કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે, તે ભારતનો એક ભાગ છે અને અમે તેને પરત લઇ લઈશું.
અમિત શાહે કહ્યું કે વર્તમાન લોકસભા ચૂંટણી ઇન્ડિયા ગઠબંધનના ભ્રષ્ટ નેતાઓ અને પ્રામાણિક રાજકારણી નરેન્દ્ર મોદી વચ્ચે પસંદગી કરવાની ચૂંટણી છે. મોદી મુખ્યપ્રધાન અને વડા પ્ધાન હોવા છતાં તેમના પર ક્યારેય એક પૈસો પણ આરોપ લાગ્યો નથી. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળને નક્કી કરવાનું છે કે તે ઘૂસણખોરો ઈચ્છે છે કે, શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન કાયદો . બંગાળે નક્કી કરવાનું છે કે, તેમણે જેહાદને મત આપવો છે કે વિકાસને મત આપવો છે.
ગૃહ પ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા અને તેમની મત બેંકને ખુશ કરવા માટે ‘ઘૂસણખોરોના સમર્થનમાં રેલીઓ કાઢવા’ માટે ટીકા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોંઘવારી સહિતના મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના પર લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસ ગોળીઓ પણ ચલાવી રહી છે.
