મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફાટી નીકળવાનો ખતરો…વાંચો કારણ
ઇઝરાયેલ પર ઈરાનનો હુમલો
ઇરાને કરેલા હુમલાના છઠ્ઠા દિવસે ઈઝરાયેલ એ બદલો લીધો: વળતી કાર્યવાહીની ઈરાને આપી ધમકી
ગત શનિવારે ઇરાને 300 ડ્રોન અને મિસાઈલ વડે ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ શુક્રવારે વહેલી સવારે ઈઝરાયેલે ઈરાન ઉપર વળતો હુમલો કરતા મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું નવું યુદ્ધ ફાટી નીકળવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઇઝરાયેલ કરેલા હુમલામાં કોઈપણ જાતનું નુકસાન ન થયું હોવાનો ઇરાને દાવો કર્યો હતો .
ઈરાનના વિદેશ મંત્રી હોસેન આમિર અબ્દુલ્લાહે શુક્રવારે એક અખબાર સાથેની વાતચીત દરમિયાન ઇઝરાયેલ ના કોઈપણ હુમલાના જવાબમાં બમણી તાકાતથી વળતો હુમલો કરવાની જાહેરાત કરી તેના થોડા કલાકો પછી જ ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઇરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ કાર્યરત કરી દીધી હતી. ઇરાને ઇઝરાયેલના ત્રણ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. ઇઝરાયેલ તરફથી મિસાઈલ એટેક થયો હોવાના વહેતા થયેલા અહેવાલોને ઈરાને રદીયો આપ્યો હતો. ઇઝરાયેલે જોકે શુક્રવારે થયેલા હુમલા અંગે કોઈપણ જાતની કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ અમેરિકાએ આ હુમલા અંગે ઇઝરાયેલે આગોતરી જાણ કરી હોવાનું અને સાથે જ અમેરિકાએ તેનો કોઈ પ્રતિભાવ ન આપ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું હતું. બીજી તરફ ઇઝરાયેલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ઇરાને ધમકી આપતા મામલો ગંભીર બનવા લાગ્યો છે.
ઇઝરાયેલે કરેલા હુમલા ને પગલે ઇરાને તહેરાન, ઇસ્ફાહાન અને શીરાજ ની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી હતી. દુબઈ થી ઉપડેલી એતિહાદ અને ફ્લાયદુબઈ એરલાઇન્સના વિમાનો પણ અધવચ્ચેથી દુબઈ પરત ફર્યા હતા.
પરમાણુ મથક ધરાવતું ઇસ્ફાહાન નગર વિસ્ફોટો થી ગાજી ઉઠ્યું
ઈરાનનું સૌથી મોટું નેતનાઝ પરમાણુ મથક જ્યાં આવેલો છે તે ઇસ્ફાહાન નગર શુક્રવારે વહેલી સવારે વિસ્ફોટોથી ગાજી ઉઠ્યું હતું. ઈરાનના ફાઈટર જેટ વિમાન નો કાફલો ધરાવતા ઇસ્ફાહાન એરપોર્ટ નજીક અને ઈરાન આર્મીનો આઠમો શંખારી બેઝ ધરાવતા કવાઝવારિસ્તાનમાં પણ વિસ્ફોટ થયા હતા. જોકે ઈરાને એ વિસ્ફોટ ઇઝરાયેલે કરેલા હુમલાને કારણે નહીં પણ આકાશમાં ઉડતા અજાણ્યા પદાર્થ પર ઈરાનના લડાકુ વિમાનોએ કરેલા ફાયરીંગ ને કારણે થયા હોવાની જાહેરાત કરી હતી.
પરમાણુ મથક સલામત
ઇરાને પોતાના તમામ પરમાણુ મથકો અભેદ્ય સુરક્ષા કવચ ધરાવતા હોવાનું અને ઇઝરાયેલે કરેલા હુમલામાં તમામ પરમાણુ મથકો સલામત હોવાનું જણાવ્યું હતું. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ પણ ઇઝરાયેલના હુમલામાં ઈરાનના એક પણ પરમાણુ મથકને નુકસાન ન થયું હોવાનું જાહેર કર્યું હતું.
સીરિયા અને ઈરાક પણ ધણધણી ઉઠ્યા
દક્ષિણ સીરિયામાં આદ્રા અને કવારકા વચ્ચે આવેલા
આદ્રા અને અલથારાના મિલિટરી એરપોર્ટ અને રડાર બેટેલીયન વિસ્ફોટો થી ગાજી ઉઠ્યા હતા. ઈરાકના બાબેલ નગરના અલ ઇમામ વિસ્તારમાં પણ વિસ્ફોટો થયા હતા.
કાચા તેલના ભાવમાં ભડકો: સ્ટોક માર્કેટ તૂટ્યા
ભારતમાં સેન્સેક્સ સતત ચોથા દિવસે 400 કરતા ઓછા પોઈન્ટ સાથે ખુલ્યો હતો. જાપાનના નિક્કીમાં 2.6% નો, સાઉથ કોરિયાના કોસ્પીમાં બે પોઇન્ટ ત્રણ ટકાનો, હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સમાં 1.3 ટકાનો અને ચીનના શાંઘાઈ કોમ્પોઝિત માવ0.4 ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકી સ્ટોક માર્કેટ પણ ધ્રુજ્યું હતું. દાવ ફ્યુચરમાં 480 પોઈન્ટ નો કડાકો બોલ્યો હતો. નાસડેક ફ્યુચરમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ કાચા તેલના ભાવમાં ચાર ટકાનો વધારો થયો હતો ભાવાંકમાં પણ 3.4 ટકાનો ઉછાળો આવ્યો હતો.
