મહારાષ્ટ્ર અને ઝારખંડની જનતાએ કરી લીધો ફેંસલો
મહારાષ્ટ્રમાં ધારણા કરતા ઓછુ મતદાન :સત્તાધારી મહાયુતિ વિરુધ્ધ મહાવિકાસ અઘાડીના જીતના દાવા
ઝારખંડમાં ધીંગા મતદાન વચ્ચે જેએમએમ-ભારત વિરુધ્ધ એન.ડી.એ વચ્ચે લડાઈ
શનિવારે થશે મત ગણતરી
મહારાષ્ટ્રવિધાનસભાની ૨૮૮ બેઠકો અને ઝારખંડ વિધાનસભાની બાકી રહેતી ૩૮ બેઠકો માટે બુધવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયુ હતુ.આ બંને રાજ્યો ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. આ બંને રાજ્યો ઉપરાંત લોકસભાની બે અને જુદા જુદા રાજ્યોની વિધાનસભાની ૫૦ જેટલી બેઠક ઉપર તા. ૨૩ને શનિવારે એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામનો અંદાજ આવી જશે.
મહારાષ્ટ્રમાં અંદાજે ૬૧ ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન ગઢચિરોલીમાં 62.99 ટકા અને સૌથી ઓછું 38.94 ટકા થાણેમાં થયું હતું. જયારે ઝારખંડમાં ૭૦ ટકા મતદાન નોંધાયુ હતુ. ઝારખંડનાં દુમકા અને જામતાડા જેવા મતક્ષેત્રોમાં ભારે મતદાન નોંધાયું હતું .દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ૫૦ ટકા જેટલું મતદાન જ નોંધાયું હતુ.કોલાબા જેવા પોશ વિસ્તારમાં ૪૧ ટકા જ મત પડ્યા હતા.
ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું હતું.
આજના મતદાનના અંતે ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા હતા.
આજે મહારાષ્ટ્રમાં મતદાન દરમિયાન નાશિકમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં વિધાનસભ્ય સુહાસ કાંડે અને સમીર ભુજબળ સામસામા આવી ગયા હતા.
સમીર ભુજબળે નાશિકના નંદગાંવમાં વિધાન સભ્ય સુહાસ કાંડે દ્વારા બોલાવવામાં આવેલા મતદારોને અટકાવ્યા હતા, જેને કારણે પરિસ્થિતિ તંગ બની ગઇ હતી અને રસ્તા પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક ‘મહાયુતિ’ ગઠબંધન સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી સત્તામાં પાછા ફરવાની આશા રાખી રહ્યું છે.
ઝારખંડની 81 સભ્યોની વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આજે 38 બેઠકો માટે મતદાન થયું હતું. . શાસક ઝારખંડ મુક્તિ મોરચા ના નેતૃત્વ હેઠળના વિપક્ષ ‘ભારત’ ગઠબંધન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સામે ચૂંટણી લડી રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું.
બીડમાં ૩ મતદાન કેન્દ્રોમાં તોડફોડ, ૪ સ્થળે બુથ કેપ્ચરીંગનો પ્રયાસ
મહારાષ્ટ્રના બીડ જીલ્લાનાં પરલી વિધાનસભા વિસ્તારમાં ભારે ધમાલ થઇ હતી અને અનેક મતદાન મથકોમાં તોડફોડ થઇ હતી. અહી બુથ કેપ્ચરીંગનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો સાથોસાથ શરદ પવારના પક્ષ એન.સી.પી.ના કાર્યકર ઉપર હુમલો પણ થયો હતો. પર્લીના ઘાટનંદુરમાં ઈવીએમમાં તોડફોડ થઇ હતી અને તેને લીધે મતદાન અટકાવી દેવું પડ્યું હતું. ચૂંટણી પંચે તુરંત ઈવીએમ બદલાવી નાખ્યા હતા અને પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.