માનનીયોએ કર્યું મલ્લ યુધ્ધ મર્યાદા ઘાયલ
સંસદીય ઇતિહાસની અત્યંત શરમજનક ઘટના: ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામૂક્કી
ભાજપના બે સાંસદો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા: રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની
ફરિયાદ: ખડગેએ કહ્યું અમારા પર સંસદની બહાર હુમલો થયો, રાહુલ ગાંધી સામે ઋઈંછ
બન્ને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ કરી: આંબેડકરના મુદ્દાએ લીધો આઘાતજનક વળાંક
સંસદના ઈતિહાસમાં પ્રથમવાર શરમજનક ઘટના આકાર લઈ ગઈ હતી અને દુનિયા આખીએ લોકતંત્રની મર્યાદાના થયેલા ગંભીર હનનની હકિકત જોઈ હતી. ડો.આંબેડકરના મુદ્દા પર શાસક અને વિપક્ષ વચ્ચે શરૂ થયેલી લડાઈ અત્યંત નીચલી પાઈરી પર ઉતરી ગઈ હતી અને સંસદ પાસે ધક્કામુક્કી પર વાત પહોંચી ગઈ હતી. ગુરૂવારનો દિવસ સંસદીય ઈતિહાસ માટે કલંક સમાન બની ગયો હતો. ભાજપ અને કોંગ્રેસ બન્નેના સાંસદોએ એકબીજાને ધક્કા મારીને ઘાયલ કર્યાનો આરોપ મુક્યો હતો અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. માનનીયોએ સંસદના ગેઈટ પાસે મલ્લ યુધ્ધ કર્યું હતું અને મર્યાદા ઘાયલ થઈ ગઈ હતી. શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સંસદીય માર્ગ પોલીસ સ્ટેશનમાં એકબીજા સામે ફરિયાદ દાખલ કરી હતી. ભાજપ દ્વારા રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ હતી. બન્નેના નેતાઓએ પત્રકાર પરિષદમાં સંસદની ઘટના અંગે પોતપોતાનો બચાવ કરીને સામસામે આરોપ મુક્યા હતા.
ગુરૂવારે સવારે સંસદની બહાર ગેઈટ પર ભારે ધક્કામુક્કીમાં ભાજપના બે સંસદસભ્યો મુકેશ રાજપૂત અને પ્રતાપ સારંગી ઘાયલ થઈ ગયા હતા. સારંગીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બન્નેને હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. ભાજપના નેતાઓએ સંસદની અંદર અને બહાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો પર ગુંડાગીરી કરવાનો આરોપ મુક્યો હતો. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને ખડગેએ પોતાનો બચાવ કર્યો હતો. જ્યારે ભાજપ તરફથી શિવરાજસિંઘ ચૌહાણ, રિજીજુ સહિતના નેતાઓએ કોંગ્રેસ પર આરોપ મુક્યા હતા અને ધક્કકામુક્કી તથા ગુંડાગીરી કરવામાં આવી છે તેમ કહ્યું હતું. સંસદના બન્ને ગૃહોમાં બકાલા માર્કેટ જેવું વાતાવરણ કરી દેવામાં આવ્યું હતું.
રાહુલ-કોંગ્રેસે ગુંડાગીરી કરી: શિવરાજસિંહ
સંસદમાં ગુરૂવારે મકર ગેઈટ પાસે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયેલી ધક્કામુક્કી અંગે માહિતી આપવા માટે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પત્રકાર પરિષદમાં એવો આરોપ મુક્યો હતો કે, રાહુલ ગાંધીએ સંસદના ગેઈટ પાસે રીતસરની ગુંડાગીરી કરી હતી અને અમારા મહિલા સાંસદને ધક્કો માર્યો હતો. કોંગ્રેસનું અને રાહુલનું વર્તન અત્યંત નિંદનીય અને અશોભનીય રહ્યું હતું.
સંસદમાં ગુરૂવારે બનેલી અશોભનીય અને શરમજનક ઘટના અંગે રાહુલ ગાંધીએ સાંજે પત્રકાર પરિષદમાં પોતાનો બચાવ કર્યો હતો અને એમ કહ્યું હતું કે, મુળ વાત બાબા સાહેબ આંબેડકર અને અદાણી વિશેની છે અને ભાજપ તેનાથી ધ્યાન ભટકાવવા માટે ખોટા આરોપ મુકી રહ્યો છે. સંસદમાં અદાણી મુદ્દે ભાજપ ચર્ચા કરવા માગતો નથી. ભાજપની વિચારધારા જ બંધારણ વિરોધી અને આંબેડકર વિરોધી રહી છે.