વિપક્ષનો અદાણી રાગ સામે સરકારનું સોરોસ શસ્ત્ર
સંસદમાં શોર-બકોર અને સટાસટીનો ખેલ ચાલુ રહ્યો!
બંને ગૃહોમાં ધમાલ બાદ મુલતવી: રાજ્યસભાના ચેરમેન ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની ચાલ: શિયાળુ સત્ર કે નાટક સત્ર?
સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહમાં રાજકીય તાપમાન ઘણું ઊંચુ રહ્યું છે. વિપક્ષ દ્વારા સતત અદાણી અને સંભલ તેમજ મણિપુર સહિતના મુદ્દે ધમાલ થઈ રહી છે તો હવે તેની સામે શાસક દ્વારા એમને શાંત કરવા માટે ભારત વિરોધી અમેરિકન બિઝનેસમેન સોંરોસ નામનું તીર ફેકવામાં આવ્યું છે અને સોમવારે પણ આ મુદાઓ પર સંસદના બંને ગૃહોમાં ભારે ધમાલ બોલી હતી અને બંને ગૃહો મુલતવી રાખી દેવા પડ્યા હતા.
સોનિયા ગાંધી અને સોંરોસ વચ્ચે જુગલબંધીના આરોપ સાથે આખો દિવસ સંસદમાં ગોકીરો રહ્યા બાદ વિપક્ષ દ્વારા રાજ્યસભાના સભાપતિ ધનખડ સામે મોરચો માંડી દેવાયો છે. ખડગે અને ધનખડ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. ભાજપના સભ્યોએ એવી માંગણી કરી હતી કે આ મુદ્દા પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. વિપક્ષ અદાણીના મુદ્દે ચર્ચા માંગે છે. હવે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડને દૂર કરવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરે છે. ધનખડની સામે વિપક્ષી ગઠબંધન એકજૂટ થઈ ગયું છે. જેમાં સમાજવાદી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસે પણ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ૭૦ સાંસદોએ આ પ્રસ્તાવ માટે હસ્તાક્ષર કરી દીધા હોવાનું બહાર આવ્યું હતું.
ટીએમસી અને સપાએ આપ્યું સમર્થન
થોડા દિવસો પહેલાં ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહેતી પાર્ટી ટીએમસી અને સપાના સાંસદોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, વિપક્ષી પાર્ટીઓએ મંગળવારે રાજ્યસભામાં ચેરમેનની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને તેના પર ૭૦ સભ્યોએ સહી પણ કરી દીધી છે.
આજે ધનખડની બેઠક
જો કે ધનખડે મંગળવારે આજે સવારે તમામ પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે અને તેમાં ગંભીરતા સાથે ચર્ચા કરવામાં આવશે. આ મડાગાંઠનો ઉકેલ શોધવા અને ગૃહને શાંતિથી ચલાવવા માટે વાતચીત થશે. ગતિરોધ સમાપ્ત કરવા પ્રયાસ થશે.
સંસદના સંકુલમાં થયા મોહરાના ખેલ
સોમવારે સંસદના બંને ગૃહોમાં વિપક્ષની ધમાલ અદાણી અને અન્ય મુદા પર રહ્યા બાદ સંસદના સંકુલમાં પણ વિપક્ષના ખેલ જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં સભ્યોએ અદાણી અને વડાપ્રધાન મોદીના મોહરા પહેરીને હાથ મિલાવ્યા હતા અને એમ કરીને અદાણીનો મુદ્દો કોંગ્રેસ સહિતના પક્ષોએ સળગતો જ રાખ્યો છે.