સરકાર ભારત રત્ન આ ત્રણ વ્યક્તિઓને આપશે, જુઓ કોણ છે એ…
કર્પૂરી ઠાકુર અને એલ.કે.અડવાણી પછી બે પૂર્વ વડાપ્રધાન અને કૃષિ વિજ્ઞાનીને સર્વોચ્ચ સન્માન
નરસિમ્હા રાવ, ચરણસિંહ અને અને ડો.સ્વામીનાથનને ભારત રત્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જાહેરાત કરી
પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને પછી ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કર્યા બાદ હવે સરકારે વધુ ત્રણ મહાનુભાવોને આ એવોર્ડથી નવાજવાની જાહેરાત કરી છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને કૃષિ વૈજ્ઞાનિક ડો.એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિલ મીડિયા અકાઉન્ટ એક્સ પર આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે આ ત્રણેય મહાનુભાવને ભારત રત્ન આપવામાં આવશે.

ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે અમારી સરકારનું આ સૌભાગ્ય છે કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
આ સન્માન દેશ માટે તેમના અસાધારણ યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકારો તથા તેમના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા ઉપરાંત તેઓ દેશના ગૃહ પ્રધાન તથા એક ધારાસભ્ય તરીકે પણ તેમણે દેશના નિર્માણને ગતિ પ્રદાન કરી. તેઓ ઈમર્જન્સીના વિરોધમાં પણ અડગ ઉભા રહ્યા હતા.
આ ઉપરાંત પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજકીય નેતા તરીકે નરસિમ્હારાવે વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક રીતે સેવા કરી હતી. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તથા અનેક વર્ષો સુધી સાંસદ તથા વિધાનસભાના સભ્ય તરીકે કરવામાં આવેલ કાર્યો માટે સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમના દૂરદર્શી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવા, દેશની સમૃદ્ધિ તથા વિકાસ માટે એક મજબૂત પાયો નાંખવામાં મદદરૂપ હતો.
કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે આ ખૂબ જ ખુશીની વાત છે કે ભારત સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં આપણા દેશમાં નોંધપાત્ર યોગદાન માટે ડો. એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી તથા ભારતીય કૃષિને આધુનિક દિશામાં લઈ જવામાં ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યાં.