આજે ધુળેટી: રંગોત્સવમાં અબીલ-ગુલાલ સાથે ઉમંગ-ઉત્સાહની છોળો ઉડશે
હોલી ખેલે રઘુવીરા…અવધ મેં હોરી ખેલે……બુરા ન માનો હોલી.. હૈ…
હોલિકાપ્રાગટ્ય સાથે વિધિવત પૂજન અને પ્રદિક્ષણા ભાવિકોએ કરી:આજ સવારથી શેરીઓ અને સોસાયટીઓમાં કોથળા ભરીને રંગો ઉડયા:બાળકોની ફોજે અવનવી પિચકારીઓ સાથે મોજ માણી,ગીત-સંગીતના તાલે યુવાધન ઝૂમી ઉઠ્યું
રંગીલુ રાજકોટ રંગોત્સવમાં હિલોળે ચડશે,અબીલ- ગુલાલનાં ઉમંગ-ઉત્સાહ સાથે આજે “ધુળેટી”નો રંગ રાજકોટવાસીઓ પર ચડ્યો છે. ગઈકાલે હોલિકાપ્રાગટ્ય સાથે હોળીની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી.
હોળીના બીજા દિવસે આજે ધુળેટીની રંગીલા રાજકોટ વાસીઓ મન મૂકીને ઉજવણી માટે થનગની રહ્યા છે. વહેલી સવારથી બાળકો પોતાના શસ્ત્રો સરંજામ(અવનવી પિચકારીઓ) સાથે પોતાના મિત્રો સાથે રંગોનું આ પર્વ ઉજવવા માટે સજ્જ થઈ ગયા છે.શેરી- ગલીઓ તેમજ સોસાયટીઓમાં બાળકોની ફોજ ધુળેટીનાં તહેવારની રંગત વધારે છે.
આ વર્ષે બાળકો માટે અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર સાથે ઈલેક્ટ્રીક પિચકારીઓ પણ બજારમાં આવતા છેલ્લી ઘડી સુધી પિચકારીઓ અને કલરની ખરીદી માટે બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે નીકળ્યા હતા. બોર્ડની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગ સાથે ધુળેટી નો પર્વ અબીલ ગુલાલ અને કેસૂડાનાં રંગો સાથે માણશે.
આ વર્ષે શુક્રવારે ધૂળેટીનું પર્વ અને ત્યારબાદ શનિ રવિની રજા હોવાના લીધે ત્રણ દિવસ મીની વેકેશન રાજકોટવાસીઓને મળ્યું હોવાથી ઘણા લોકો તેમના પરિવારજનો અને ફ્રેન્ડ ગ્રુપ સાથે ફરવા માટે નીકળી ગયા છે.
રાજકોટના નવા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં સવારથી “બુરા ન માનો..હોલી હૈ” અને ધુળેટી સ્પેશિયલ ગીતો સાથે યુવાવર્ગ અને સોસાયટીધારકોએ ઉત્સાહભેર ધુળેટીની રંગેચંગે સંગીતની રમઝટ સાથે રંગોની છોળો ઉડશે. રંગોત્સવ એક એવો તહેવાર છે જે દેશનાં દરેક ખૂણે ખૂણે ઉજવાય છે.
બોક્સ…1 ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં ધુળેટી કાર્નિવલ મનાવવાનો ક્રેઝ
રાજકોટમાં આ ધૂળેટીએ અનેક જગ્યાએ ધુળેટી કાર્નિવલનાં અનેક આયોજનો ઉપરાંત ફાર્મ હાઉસ અને પાર્ટીપ્લોટમાં નાચગાન સાથે ફિલ્મી સ્ટાઇલ સાથે રંગોત્સવની ઉજવણીમાં શહેરીજનો લિન થઈ જશે.રાજકોટમાં અનેક જગ્યાએ ખાનગી આયોજનો થયાં છે.નિરાલી રિસોર્ટમાં આત્મન હોલિફેસ્ટ સિઝન,મોટેલ ધી વિલેજમાં લાઈવ ડી.જે સાથે રેઇન ડાન્સ,કિડ્સ માટે આયોજન,હિમાની રિસોર્ટમાં કલર બ્લાસ્ટ,બાંસુરી ગાર્ડનમાં લાઈવ ડી જે અને લાઈવ ઢોલ સાથે ધુળેટીનું આયોજન આ ઉપરાંત કિંગ પાર્ટી લોન્સમાં કેસરિયા હોલીનું ધમાકેદાર આયોજન થયા છે. સ્કૂલ,કોલેજ અને ઉદ્યોગો તેમજ બજારોમાં પણ ત્રણ દિવસ રજાનો માહોલ હોવાથી લોકો તેમના પરિવાર અને ફ્રેન્ડસ સાથે તેમના ફાર્મ હાઉસ અને વિકએન્ડ વીલાએ રજાનો આનંદ માણવા નીકળી પડયા છે.