ધો. ૯-૧૦ અને ૧૧નાં માર્કસના આધારે ધો.૧૨નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા
NCERTના યુનિટ પરખ દ્વારા તૈયાર કરવામાં આવેલા રીપોર્ટમાં કરાયુ સુચન
શિક્ષણ મંત્રાલય દરેક સ્કુલ બોર્ડ પાસેથી સુચન મગાવશે
NCERTના સ્વતંત્ર યુનિટ પરખ એટલે કે પરફોર્મન્સ એસેસમેન્ટ રીવ્યુ અને એનાલીસીસ ઓફ નોલેજ ફોર હોલીસ્ટીક ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રીપોર્ટમાં એવી ફોર્મ્યુલા દર્શાવવામાં આવી છે કે ધોરણ 9મા, 10મા અને 11મા ધોરણના માર્કસ 12મા ધોરણના રિપોર્ટ કાર્ડમાં ઉમેરવા જોઈએ અને તેના આધારે ધોરણ 12માનું પરિણામ તૈયાર કરવામાં આવે.
તાજેતરમાં જ શિક્ષણ મંત્રાલયને સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 9, 10 અને 11માં વિદ્યાર્થીઓના પ્રદર્શનના આધારે 12માનું પરિણામ તૈયાર કરવામાં આવે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ ત્રણેય વર્ગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે છે અને સતત વર્ગમાં રહે છે તો તેમને 12માના પરિણામમાં લાભ મળવો જોઈએ.
NCERTના પરખ યુનિટની સ્થાપના ગયા વર્ષે કરવામાં આવી હતી અને નવી શિક્ષણ વ્યવસ્થામાં પણ આ એકમનો ઉલ્લેખ છે.
પરખના અહેવાલ તમામ શાળા બોર્ડમાં મૂલ્યાંકનને સંરેખિત કરવાના પગલાંની ભલામણ કરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 9મા, 10મા અને 11મા ધોરણના વિદ્યાર્થીના પરફોર્મન્સને 12મા ધોરણના અંતિમ રિપોર્ટ કાર્ડમાં સામેલ કરવામાં આવે.
આ રિપોર્ટમાં ધોરણ 12ના પરિણામ માટે એવું કહેવામાં આવ્યું છે કે ધોરણ 9માં 15% વેઇટેજ, ધોરણ 10માં 20% અને ધોરણ 11માને 25% વેઇટેજ આપવામાં આવશે. આ ઉપરાંત, 12મા રિપોર્ટ કાર્ડમાં, સંયુક્ત મૂલ્યાંકન, ફોર્મેટિવ એસેસમેન્ટ (સંકલિત પ્રગતિ કાર્ડ, જૂથ ચર્ચા, પ્રોજેક્ટ) અને સમમેટીવ એસેસમેન્ટ (ટર્મ એક્ઝામ) ને પણ વેઇટેજ આપવામાં આવશે.
જાણકારી અનુસાર, શિક્ષણ મંત્રાલય આ રિપોર્ટ તમામ રાજ્ય સ્કૂલ બોર્ડ સાથે શેર કરશે. જેથી દરેક વ્યક્તિ આ અંગે પોતાનો અભિપ્રાય આપી શકે અને જો બધા સહમત થાય તો આ રિપોર્ટને જલ્દીથી લાગુ કરી શકાય. એક અહેવાલ પ્રમાણે પાછલા એક વર્ષમાં 32 સ્કૂલ બોર્ડ સાથે ભલામણ પર ચર્ચા કરવામાં આવી છે.