હાઇ-વે પર ચાલવા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું જુઓ
સુપ્રીમ કોર્ટે હાઇ-વે પર પગપાળા જતાં યાત્રિકોની સુરક્ષાના મુદ્દાને ઉઠાવનારી એક અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરીને અરજદારને એવી ફટકાર લગાવી હતી કે, લોકોએ હાઇવે પર ફરવું જોઈએ નહિ. પગપાળા યાત્રિકોની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવનારી અરજી પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલા આદેશને પડકારતી અરજી પર સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે અરજદારને આ બાબતે સંબંધિત મંત્રાલયનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી છે. તેવી દલીલ પણ કરવામાં આવી હતી. સુપ્રીમે અરજી રદ કરીને કહ્યું હતું કે, આ બારામાં કોઈ સકારાત્મક નિર્દેશ આપી શકાય નહિ. અરજીમાં જે રાહતની માંગ થઈ છે તે નીતિગત નિર્ણયોનો મામલો છે. અરજદારે કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
અરજદારોના વકીલે પગપાળા જતાં યાત્રિકોની સુરક્ષા અંગે દલીલો કરતાં સુપ્રીમે કહ્યું હતું કે, હાઇ-વે કોઈ હરવા-ફરવાની જગ્યા નથી. અહી શિસ્ત જરૂરી હોય છે. તમે તો એમ કહેશો કે હાઇ-વે પર આંટા ફેરા કરવાની પરવાનગી આપવી જોઈએ અને કારો ત્યાં રોકાવવી જોઈએ તો આવું તો કેવી રીતે બની શકે?
હાઇ-વે પર આવા યાત્રિકોના અકસ્માતના મોતની ઘટના વધી ગઈ છે. તેવી દલીલ પર સુપ્રીમે કહ્યું હતું કે, આવું એટલા માટે થઈ રહ્યું છે કે હાઇ-વે વધી ગયા છે પણ આપણામાં શિસ્ત વધી નથી. તમે લોકો હાઇવે પર અલગ-અલગ પ્રકારનું ટ્રાફિક રોકીને રાખી શકો નહિ અને તેમાં પગપાળા યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને ટેકો શા માટે આપીએ?