રામલલ્લાને સોનાની કઈ વસ્તુની ભેટ આપશે….? જુઓ
પટણાના મહાવીર મંદિર ટ્રસ્ટનું એલાન: રૂા.૧૦ કરોડ રકમ પણ અપાશે
લાંબી પ્રતિક્ષા બાદ રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ આરાધ્યને કંઈકને કંઈક અર્પિત કરવાની ઈચ્છા ધરાવે છે. એ જ રીતે મિથિલા તરફથી રામલલ્લાને સોનાનું ધનુષ્ય બાણ અર્પિત કરવામાં આવશે. આ અર્પણ પટણા મહાવીર મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કિશોર કૃણાલ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામજન્મભૂમિ અંગેનો ચૂકાદો આવ્યા બાદ મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૦ કરોડ રૂપિયાનું દાન મંદિર નિર્માણ માટે આપવાની વાત કરવામાં આવી હતી જેનો અંતિમ હપ્તો પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં અર્પિત કરી દેવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક ખાતુ ખૂલ્યા બાદ મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા રૂા.૨ કરોડનો પ્રથમ હપ્તો નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૦૨૧ અને ૨૦૨૨માં પણ આ મુજબની રકમો નાખવામાં આવી હતી.
કિશોર કૃણાલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે લોકો સોનાના ધનુષ્ય બાણ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી દેશું. આ ધનુષ્ય બાણને ચેન્નઈની કંપની બનાવી રહી છે અને તે ૧૨મી જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચી જશે. રામ મંદિર માટે સોનાનો કળશ જે કંપની બનાવી રહી છે તેને જ સોનાનું ધનુષ્ય બાણ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટને ધનુષ્ય બાણની સાથે રૂા.૧૦ કરોડની રકમ પણ આપવામાં આવશે.