સતત ત્રીજી વખત ભગવો લહેરાશે
`પોલ ઓલ ઓફ ઓલ પોલ’નું તારણ
આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં ૧૦૨ બેઠકો પર મતદાન થવાનું છે તે પૂર્વે વિવિધ ન્યુઝ ચેનલો અને અન્ય એજન્સીઓએ કરેલા ૯ પોલ અને સર્વે પરથી એનડીટીવીએ રજુ કરેલા ‘પોલ ઓફ ઓલ પોલ’માં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ સતત ત્રીજી વખત સતારૂઢ થશે તેવું તારણ આપવામાં આવ્યું છે.
એનડીએ ૩૬૫ બેઠક પર,ઇન્ડિયા ગઠબંધન ૧૦૨ બેઠક પર અને અન્ય પક્ષો ૪૯ બેઠકો પર વિજય મેળવશે તેવી ધારણા આ સર્વેમાં રજૂ કરવામાં આવી છે.જો કે ભાજપ – એનડીએને ‘ ૪૦૦ પાર ‘ ના લક્ષ્યથી ખાસ્સુ છેટું રહી જશે.
આ અગાઉ એબીપી- સી વોટર દ્વારા તારીખ ૨૫ ડિસેમ્બર, તારીખ ૧૨ માર્ચ અને ૧૬ એપ્રિલના રોજ સર્વે કરવામાં આવ્યા હતા તેના અંતિમ તારણ અનુસાર એનડીએને ૩૭૩ અને ઇન્ડિયા ગઠબંધનને ૧૫૫ બેઠકો આપવામાં આવી હતી.
ટાઈમ્સ- ઈટીવીના સર્વેમાં એનડીએને ૩૫૮ થી ૩૯૮ ઇન્ડિયા ને ૧૧૦ થી ૧૩૦ અને અન્યને ૬૪ થી ૬૬ બેઠક મળવાનું તારણ નીકળ્યું હતું.
ઇન્ડિયા ટીવી – સીએનએકસ, ઝી ન્યુઝ – મેટ્રીઝઅને ટાઈમ્સ – મેટ્રીઝના પ્રી પોલમાં એનડીએ ને ૩૫૦ થી વધારે અને ઇન્ડિયાને ૧૦૦ થી ઓછી બેઠકો આપવામાં આવી હતી. એનડીટીવીએ આ બધા પોલ ઉપરથી પોલ ઓફ પોલ નું તારણ રજૂ કર્યું છે.
હિન્દી બેલ્ટમાં એનડીએનો દબદબો
ઉત્તર પ્રદેશ,બિહાર અને મધ્યપ્રદેશની કુલ ૧૪૯ માંથી ૧૩૭ બેઠકો પર ભાજપ અને તેના સાથે પક્ષોના વિજયની આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધનને બિહારમાં પાંચ, તેમજ મધ્યપ્રદેશમાં ૨૮ માથી ફક્ત એક અને ઉત્તર પ્રદેશમાં ૮૦ માંથી માત્ર છ બેઠકો મળવાની સંભાવના છે.
દક્ષિણ ભારતમાં શું થશે?
તામિલનાડુમાં ભાજપને ફાયદા રૂપે બે બેઠકો મળવાની સંભાવના છે. ત્યાં ઇન્ડિયા ગઠબંધનને ૩૩ અને એઆઈએડીએમકે ને ચાર બેઠકો પર વિજય મેળવવાની ધારણા રજૂ કરવામાં આવી છે. કર્ણાટકમાં ગત ચૂંટણીમાં ભાજપને ૨૮ માંથી ૨૫ બેઠકો મળી હતી. આ વખતે તેનાથી બે બેઠક ઓછી એટલે કે ૨૩ બેઠકો મળવાની સંભાવના છે. આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ ૨૫ માંથી ૧૬ બેઠકો પર વિજય મેળવે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. તેલંગાણામાં પણ ભાજપ ગત ચૂંટણીની ચાર બેઠકો જાળવી રાખશે. ત્યાં નવ બેઠકો પર કોંગ્રેસનો, ત્રણ બેઠકો પર બીઆરએસ નો અને એક બેઠક પર એઆઈએમઆઈ એ નો વિજય થવાની સંભાવના છે.
બંગાળમાં ફાયદો મહારાષ્ટ્રમાં નુકસાન
બંગાળમાં ગત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને ૪૨ માંથી ૨૨ બેઠકો મળી હતી આ વખતે પણ તેને એટલી જ બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ ભાજપ આ વખતે ૨૦૧૯ કરતા એક બેઠક વધારે એટલે કે ૧૯ બેઠકો ઉપર વિજય મેળવશે. મહારાષ્ટ્રમાં ગત ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને ૪૮ માંથી ૪૧ બેઠકો મળી હતી. આ વખતે એનડીએ ને ૩૦ બેઠકો મળવાની સંભાવના છે એટલે કે આ રાજ્યમાં એનડીએ ને ૧૧ બેઠકોનું નુકસાન થાય છે.
આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એનડીએને ક્લીન સ્વીપ
દિલ્હી (૭),ગુજરાત (૨૬), અરુણાચલ પ્રદેશ( ૨), ચંદીગઢ (૧), ઉત્તરાખંડ (૫) ,હિમાચલ પ્રદેશ (૪)અને દમણ – દીવ(૧) મળીને કુલ ૭૨ બેઠકો છે. તે તમામ બેઠકો પર ૨૦૧૯ માં ભાજપ નો વિજય થયો હતો. આ વખતે પણ એ તમામ બેઠકો પર ભાજપ વિજયીથશે તેવું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે
એનડીએની બેઠકોમાં ૩.૪ ટકાનો, ઇન્ડિયાની બેઠકોમાં ૩૫ ટકાનો વધારો
૨૦૧૪માં એનડીએ ને ૩૩૬ બેઠકો મળી હતી.૨૦૧૯માં ૫ ટકા ના વધારા સાથે તેનું સંખ્યાબળ ૩૫૩ થયું હતું અને આ વખતે તેમાં ૩.૪ ટકા ના વધારા સાથે ૩૬૫ બેઠક મળવાની સંભાવના છે. સામા પક્ષે યુપીએને ૨૦૧૪માં માત્ર ૬૦ બેઠક મળી હતી. ૨૦૧૯ માં ૫૦ ટકાના વધારા સાથે તેણે ૯૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ઈન્ડીયા ગઠબંધન ગત વર્ષની તુલનામાં ૩૫% ના વધારા સાથે ૧૨૨ બેઠક મેળવશે તેવો અંદાજ રજૂ થયો છે
બિહારમાં અનુસૂચિત જાતિ અને યાદવ જૂથો વચ્ચે અથડામણ, એક નું મોત
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે તેના એક દિવસ પહેલા પટણામાં હિસક ઘટના બની હતી અને બાબાસાહેબ આંબેડકરને લઈને થયેલા વિવાદમાં અનુસસુચિત જાતિના એક જૂથ અને યાદવ જૂથ વચ્ચે હિસક ટક્કર થઈ હતી અને ગોળીબાર થયો હતો જેમાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ૩ ઘાયલ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ સરકારી જમીન પર કેટલાક લોકો આંબેડકરની પ્રતિમા લગાવી રહ્યા હતા અને યાદવ જૂથ દ્વારા તેનો વિરોધ કરાયો ત્યારે બંને વચ્ચે હિસક ટક્કર થઈ હતી અને એક જૂથ દ્વારા ગોળીબાર કરાતાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ૩ ઘાયલ થયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ટેન્શન ફેલાઈ જતાં પોલીસનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસને જાણ થતાં તરત જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં કેટલાક લોકો લોહીથી લથબથ પડેલા મળ્યા હતા. આ બારામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.