ઘાત ટળી પણ વરસાદી જોખમ યથાવત
કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
ડીપ ડીપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઈને પાકિસ્તાન તરફ અગ્રેસર
કચ્છ તેમ જ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો ઉપર ઝળુંબતુ વાવાઝોડુ થોડું નબળુ પાડીને પાકિસ્તાનની દિશામાં જતા મોટી ઘાત ટળી છે. જો કે, આ વાવાઝોડાની અસર રૂપે આજે વરસાદ પડ્યો હતો અને હજુ બે દિવસ સુધી ચાલુ રહેશે. બીજી તરફ સપ્ટેમ્બરના પહેલા જ અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી થઇ છે.
આજે મુન્દ્રા, અંજાર, માંડવી, અબડાસા, ભુજ અને લખપત જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું ડીપ ડીપ્રેશન અરબ સાગર અને પાકિસ્તાનની પશ્ચિમે ૧૦ કિલોમીટરની ઝડપે મુવ થયુ હતું અને સાંજે કરાંચીથી દક્ષિણ પશ્ચિમે ૨૦૦ કિલોમીટર દુર હતું.
આ ડીપ ડીપ્રેશન શનિવારે સવારે સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થાય અને ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. આ સાયક્લોનિક સ્ટોર્મ અરબી સમુદ્ર તરફ સતત ગતિ કરી રહ્યું છે અને શનિવાર મોડી રાત અથવા રવિવાર સવાર સુધી ગતિ કરશે.
આ હલચલને લીધે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ હજુ વરસી શકે છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે કચ્છ જિલ્લામાં માત્ર છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જોકે, અગાઉના ભારે વરસાદની અસર હજુ પણ જોવા મળી રહી છે.
માંડવી તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયા બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. આવી જ સ્થિતિ અબડાસા સહિતના દરિયાકાંઠાના તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે. સેંકડો રોડ અને રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. દરિયાકાંઠાના અનેક ગામો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે.
કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી કટોકટી પરિસ્થિતિને પગલે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક સ્તરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાની અસર હેઠળ દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરીયા કિનારે 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. હવામાન ખરાબ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.