ભારત – UAE વચ્ચે સંબંધો ઘણા મજબુત : મોદી
આજે અબુધાબીમાં ૨૭ એકરમાં ફેલાયેલા સૌથી પહેલા હિન્દુ મંદિરનું કરશે લોકાર્પણ
અબુધાબીના રાષ્ટ્રપતિએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત
‘અહલાન મોદી’ કાર્યક્રમમાં હજારો લોકોએ મોદીનું અભિવાદન કર્યું
આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત અને કતારની સત્તાવાર યાત્રા પર છે. વર્ષ 2014 પછી વડાપ્રધાન મોદી યુએઈની સાતમી વાર મુલાકાતે પહોચ્યા છે. આજે નરેન્દ્ર મોદી અબુધાબી પહોચ્યા ત્યારે યુ.એ.ઈ.ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી બંને વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં નરેન્દ્ર મોદી બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા મજબુત છે તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત અને યુ.એ.ઈ. વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે.
તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં બહુ-પરિમાણીય સંબંધો ગાઢ બન્યા છે તેમ જણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વરસોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ખોરાક અને ઊર્જા સુરક્ષા તથા શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રમાં UAE સાથે ભારતનો સહયોગ અનેક ગણો વધ્યો છે.
તાજેતરના વર્ષોમાં ઉચ્ચ સ્તરીય રાજકીય આદાનપ્રદાન, બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણ, ઊર્જા ભાગીદારી મજબૂત બનાવવા તથા સંસ્કૃતિ અને શિક્ષણમાં સહકાર સહિત તમામ ક્ષેત્રોમાં અમારા બહુપક્ષીય સંબંધો ગાઢ બન્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર વ્યાપક ચર્ચા કરવા આતુર છે. તાજેતરમાં ગુજરાતને નાહયાનની મેજબાની કરવાનું સૌભાગ્ય મળ્યું છે, જ્યાં તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુખ્ય અતિથિ હતા.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યુ.એ.ઈ.ના શાસકોના પ્રેમ વગર અહી મંદિરનું નિર્માણ શક્ય ન હતું.
દરમિયાન બુધવારે વડાપ્રધાન મોદી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. BAPS મંદિર UAE અને ભારતના સહિયારા સદભાવ, શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યો માટે એક સ્થાયી સમર્પણ હશે.
ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજિત ‘અહલાન મોદી’ સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમ ટૂંકાવાયો હતો. અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં હજારો લોકોએ નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું.