તું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડા પગ નાખે છે’ કહી રાજકોટના આગેવાનને ધમકી, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટના 150 ફૂટ રોડ ઉપર શહિદ સુખદેવ ટાઉનશિપમાં રહેતા અને એજ્યુકેશન એડવાઈઝર તેમજ સમાજ સેવા કરતા દિલીપ ધીરૂભાઈ સોલંકી (ડી.ડી.સોલંકી)ને બે શખસે વીડિયો અને વોઈસ કોલ મારફતે ફોન પર `તું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડા પગ નાખે છે, તારા પગ જ કાપી નાખવા છે’ કહી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે દિલીપ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે તેની ઓફિસ ઉપર હાજર હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો જેણે ગાળાગાળી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ફોન કરનારને નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ રાજનાથજી તેમજ સૂરજ જણાવ્યું હતું. આ પછી ગાળો ભાંડી `તું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડા પગ નાખે છે, તારા પગ કાપી નાખવાના છે’ કહી ધમકી આપી હતી. આ ઉપરાંત ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તું ચોટીલાના મહંત સુભાષગીરી બાપુને ત્યાં આવી જાય અત્યારે હું ત્યાં જ છું.
આ પણ વાંચો :રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચવાનો મામલો: ગાંધીગ્રામ પોલીસ મથકના બે કોન્સ્ટેબલની બદલી
ત્યારબાદ ફરી ફોન વીડિયો કોલ અને વોઈસ કોલ કરી બેફામ ગાળો ભાંડી હતી. એક વખત વૉટસએપ પર વીડિયો કોલ કરી પોતાનો ચહેરો પણ બતાવ્યો હતો. ફરિયાદના આધારે ગાંધક્ષગ્રામ પોલીસે ફોન કરનારના મોબાઈલ નંબરના આધારે ગુનો નોંધ્યો હતો.
