રાજકોટ : મવડીમાં 17 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત : દ.મામલતદાર કચેરી દ્વારા પુષ્ટિવાટિકા સામેની 2500 ચો. મીટર જમીન ખુલ્લી કરાવી
રાજકોટ શહેરમાં દક્ષિણ મામલતદાર કચેરી હેઠળ આવતા મવડી ગામમાં 80 ફૂટના રોડ ઉપર પુષ્ટિ વાટિકા નજીક આવેલ મવડી રેવન્યુ સર્વે નંબર 194ની સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામોનો કડૂસલો બોલાવી દઈ અંદાજે 17 કરોડની 2500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ શહેરમાં અનેક સરકારી જમીનો ઉપર દબાણ ખડકાઈ ગયા છે ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1ના ડો.ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ દક્ષિણ મામલતદાર એલ. બી. ઝાલા, નાયબ મામલતદાર ધવલ પરમાર, મવડી તલાટી સી.બી.કાનગડ, જે.એમ.ડાભી, બી.એમ.ઝાલા દ્વારા મવડી ગામમાં પુષ્ટિવાટિકા પાસે 80 ફૂટ રોડ ઉપર આવેલ રેવન્યુ સર્વે નંબર 194 પૈકીની સરકારી ખરાબાની અંદાજે 2500 ચોરસ મીટર જમીનમાં ખડકાઈ ગયેલા ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવી દઈ સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.