અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ : સાત નબીરાઓએ દારૂ પીને ડાન્સ કરતા હોય તેવો વીડિયો વાઇરલ કર્યો
અમદાવાદમાં લોકોને કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં 5થી 7 નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લીધી છે. તેમાંથી એકની અટકાયત કરી છે. જ્યારે અન્ય નબીરાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
વધુ વિગતો મુજબ ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે જાહેરમાં 5થી 7 નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા હતા. નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
ગુનો નોંધી તમામની અટકાયત કરશે – JCP, નીરજ બડગુજર
આ અંગે સેક્ટર-1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, વીડિયો સામે આવતા પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરવામાં આવશે.