પહેલા નુકસાનીના પૈસા ભરો પછી જ જામીન
આંદોલન દરમિયાન જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા લોકોને સીધા કરવા માટે કાયદા પંચનું સુચન
જુદા જુદા આંદોલન દરમિયાન સરકારી સંપતિને નુકસાન પહોચાડનારા તત્વો પાસેથી નાણા વસુલવાનું તો હજુ શક્ય બન્યું નથી પરંતુ તાજેતરમાં કાયદા પંચે સરકારને જે સુચન કર્યું છે તેનાથી આવી પ્રવૃત્તિ ઓછી થશે તેવું લાગી રહ્યું છે. કાયદા પંચે એવું સુચન કર્યું છે કે, જાહેર સંપતિને નુકસાન પહોચાડનાર વ્યક્તિને જો જામીન જોઈતા હોય તો પહેલા તેણે જે નુકસાન કર્યું છે તેની ચુકવણી કરવી પડશે. આ નિર્ણય ચોક્કસપણે આવા કૃ્ત્યો વિરુદ્ધ અવરોધક તરીકે કામ કરશે. કાયદા પંચે સરકારને હાલના કાયદાઓમાં સુધારાની ભલામણ કરી છે જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા જાહેર સ્થળોને વારંવાર નુકસાન થતું અટકાવી ભારે દંડ લાદવાનો છે.
જસ્ટિસ (નિવૃત્ત) રૂતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં પંચે સૂચન કર્યું છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન લાંબા સમય સુધી સાર્વજનિક સ્થળો અને રોડને અવરોધિત કરવાના મુદ્દાને ઉકેલવા માટે એક વ્યાપક કાયદો બનાવવો જોઈએ અથવા સંશોધન દ્વારા ભારતીય દંડ સંહિતા અથવા ભારતીય ન્યાયિક સંહિતામાં તેને સંબંધિત એક વિશિષ્ટ જોગવાઈ રજૂ કરવામાં આવે.
કાયદા પંચે જામીનની શરત સખ્ત બનાવવા માટે 1984ના કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ રાખ્યો છે. કાયદા પંચે કહ્યું કે, ‘કોઈપણ સંગઠન દ્વારા પ્રદર્શન, હડતાલ અથવા બંધના પરિણામસ્વરૂપે સાર્વજનિક સંપત્તિને નુકસાન થયા છે તો આવા સંગઠનને પદાધિકારીઓને આ કાયદા હેઠળ દંડનીય ગુના માટે ઉશ્કેરવાના ગુના માટે દોષિત માનવામાં આવશે.’
એ જગજાહેર છે કે, આપણા દેશમાં આખું વર્ષ ક્યાંક ને ક્યાંક આંદોલન ચાલતા જ હોય છે અને આંદોલનકારીઓ કોઈને કોઈ સરકારી મિલકતને નુકસાન પહોચાડતા હોય છે. કોઈક રસ્તા ખોદી નાખતા હોય છે તો કોઈક વાહનો સળગાવી દેતા હોય છે. આ સિવાય સરકારી ઓફિસોમાં તોડફોડ, આગ ચાંપી દેવી વગેરે પણ થતું હોય છે. આ બધી ઘટનાઓમાં સરકારને વ્યાપક નુકસાન પહોચતું હોય છે અને લોકોને હાડમારીનો સામનો કરવો પડતો હોય છે.
સર્વોચ્ચ અદાલતના આદેશના આધારે, ગૃહ મંત્રાલયે 2015માં પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ (સુધારા) બિલનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો પરંતુ તેનો યોગ્ય રીતે અમલ થઇ શક્યો નથી. હવે કાયદા પંચે આવા ગુનાના આરોપીને જામીન આપવાના બદલામાં નુકસાનીની રકમ ભરવાની શરત રાખવાની ભલામણ રાખી છે. હવે સરકાર આ દિશામાં શું નિર્ણય લ્યે છે તે જોવાનું રહે છે.