નરેન્દ્ર મોદી ૩.૦ શપથગ્રહણ સમારોહ : આ દેશો હશે મહેમાન, જાણો કોને મળ્યું આમંત્રણ ?
લોકસભાની ચૂંટણીનું પરિણામ ૪ જુન અને મંગળવારના રોજ આવ્યું હતું જેમાં એનડીએ સરકારને 292 બેઠકો મળી હતી, જ્યારે બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને 234 બેઠકો મળી હતી. ત્યારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આવી સ્થિતિમાં ભાજપ શપથ ગ્રહણ સમારોહને વધુ મોટો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમારોહમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, પડોશી દેશોના રાજ્યોના વડાઓ અને વિશ્વના અગ્રણી નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
8મી જૂને રાત્રે 8 વાગ્યે શપથ લેશે ત્યારે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે કહ્યું કે નરેન્દ્ર મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે.
શપથ ગ્રહણ સમારોહમાં કોને બોલાવવામાં આવ્યા ?
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથને પણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પ્રથમ કોને બોલાવવામાં આવ્યા હતા ?
નરેન્દ્ર મોદીએ 2014માં વડાપ્રધાન તરીકે તેમના પ્રથમ શપથ ગ્રહણ સમારોહ માટે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. સાર્કના સભ્ય દેશોમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા છે.
જ્યારે નરેન્દ્ર મોદી 2019માં સતત બીજી વખત વડા પ્રધાન બન્યા, ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશનના દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. BIMSTECના સભ્યોમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ અને શ્રીલંકા સહિત ઘણા દેશો સામેલ છે.