શહેર ભાજપ પ્રમુખ બનવા આજે ફોર્મ ભરશે મુરતિયા
સવારે ૧૦:૩૦થી ૧:૩૦ સુધી ફોર્મ ભરી શકાશે: ૧૫થી ૨૦ દાવેદારો ફોર્મ ભરી શકે
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂક માટેની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે તે સિલસિલામાં આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે પણ ફોર્મ ભરવામાં આવશે. સવારે ૧૦:૩૦થી ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયા બાદ બપોરે ૧:૩૦ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. એકંદરે શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ૧૫થી ૨૦ દાવેદારો ફોર્મ ભરે તેવી અટકળો વહેતી થવા પામી છે. આજે ફોર્મ ભરવાનો દિવસ હોય સવારથી જ ચૂંટણી અધિકારી ડૉ.માયાબેન કોડનાની, ધારાસભ્ય ઉદય કાનગડ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશી કાર્યરત છે ત્યારે તેઓ પણ દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અલગ-અલગ નામને લઈને જેટલા મોઢા તેટલા તેટલા દાવા થઈ રહ્યા છે. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે સંકલન બેઠક મળશે જેમાં ભરાઈને આવેલા ફોર્મ ઉપર ચર્ચા કરાયા બાદ ૭મીએ માન્ય રહેલા ફોર્મ પ્રદેશમાં મોકલવામાં આવશે. આ પછી પ્રદેશ કક્ષાએથી શહેર પ્રમુખના નામને અંતિમ મ્હોર લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.