બોસ સાથે સૂવાનો ઇનકાર કરતાં પત્નીને ત્રણ તલાક આપી દીધા
મહારાષ્ટ્રના સોફ્ટવેર એન્જિનિયર છેલ્લે પાટલે બેઠો
મહારાષ્ટ્રમાં એક મુસ્લિમ યુવાને તેના બોસ સાથે સૂવાનો ઇનકાર કરનાર પત્નીને તીન તલાક આપી ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આઘાતજનક બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના કલ્યાણમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 45 વર્ષના યુવાને ગત જાન્યુઆરીમાં 28 વર્ષની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા.
દરમિયાન 19 મી ડિસેમ્બરે એક પાર્ટીમાં તેણે તેના બોસ સાથે સુવા જવાનું પત્નીને કહ્યું હતું. પત્નીએ તેનો ઇનકાર કરતા પતિ વિફર્યો હતો.
પત્નીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બાદમાં ઘરે જઈને તેણે ધમાલ મચાવી હતી. તેણે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપવા માટે બીજી પત્ની પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પત્નીએ તેનો ઇન્કાર કરતા તેણે ત્રણ વખત તલાક તલાક બોલી અને છૂટાછેડા આપી દીધા હતા અને પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી.
પત્નીના કહેવા મુજબ લગ્નના થોડા દિવસો સુધી બધું બરોબર ચાલ્યું હતું પરંતુ બાદમાં પતિએ શારીરિક અત્યાચાર શરૂ કર્યા હતા. પ્રથમ પત્નીને છૂટાછેડા દેવાના નામે તેના પિયરેથી 15 લાખ રૂપિયા લાવવાનું દબાણ કરતો હતો. તીન તલાક આપવા એ ગેરકાયદે હોવા છતાં આ યુવાને તલાક આપી દેતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મુસ્લિમ વુમન ( પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ)
એક 2019 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ અઠવાડિયા પહેલા જ થાણેમા મુસ્લિમ મહિલાને એકલા ચાલવા જવા બદલ તેના પતિએ તીન તલાક આપી દીધા હતા.