બંગાળની ખાડીમાં લો પ્રેશર : કાલે વાવાઝોડુ ત્રાટકશે
ઓરિસ્સા અને બંગાળ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતને એલર્ટ કરાયા
હવામાન વિભાગની ‘અતિ ભારે વરસાદ’ની આગાહી
આજથી પાંચ દિવસ સુધી અસર રહેશે
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તે આવતીકાલે એટલે કે શુક્રવારે ભયાનક ચક્રવાતમાં ફેરવાય તેવી આશંકા ઉભી થઇ હોવાથી ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતને એલર્ટ કરાયા છે. હવામાન ખાતાના નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે તે તા. ૨૪મીએ ડીપ્રેશનમાં ફેરવાશે અને તે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. જો આ ચક્રવાત ભારતીય કાંઠા તરફ આગળ વધશે તો તે ચોમાસાને આગળ વધવામાં મદદ કરશે પરંતુ જો તેની દિશા મ્યાનમાર હશે તો ચોમાસાનાં ટાઈમટેબલ ઉપર અસર કરી શકે છે.
23-24 મેના રોજ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત ત્રાટકવાની ધારણા હોવાથી, ભારતીય હવામાન વિભાગે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયામાં ગયેલા માછીમારો માટે એડવાઈઝરી જારી કરી છે.
હવામાન ખાતાના વિશાખાપટ્ટનમ કેન્દ્રના ડિરેક્ટર સુનંદાએ જણાવ્યું હતું કે માછીમારોએ ગુરુવાર સુધીમાં પાછા ફરવું પડશે કારણ કે બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે જે લો પ્રેશર 24 મેની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ઓડિશાના દરિયાકાંઠે અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં, ભારેથી અતિ ભારે વરસાદની સાથે તેજ પવનની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ચક્રવાત 23 મેથી 27 મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે. તેથી, હવામાન કચેરીએ 28 મે, 2024ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દરમિયાન હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં આજે હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કર્ણાટક, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને તેલંગાણામાં 23 મે સુધી હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળી અને ભારે પવનની પણ આગાહી કરી છે.
કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્ય સરકારે રહેવાસીઓને ખાસ કરીને પર્વતીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. તિરુવનંતપુરમ શહેર અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું, જેના પરિણામે દક્ષિણ જિલ્લામાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.
