અયોધ્યા બન્યું મોદીમય જુઓ
- નવું એરપોર્ટ અને નવનિર્મિત રેલવે સ્ટેશન ખુલ્લું મુકશે
- બે અમૃત ભારત અને છ વંદેભારત ટ્રેનને આપશે લીલીઝંડી
- નરેન્દ્ર મોદીને આવકારવા આખા શહેરને કરાયો અદ્ભુત શણગાર
અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે. જેમાં ઍરપોર્ટ, પુન: વિકસિત કરાયેલાં રેલવે-સ્ટેશનનો સમાવેશ છે. એ ઉપરાંત તેઓ બે નવી અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. મોદી ૧૧,૧૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ લૉન્ચ કરશે.
વડાપ્રધાનને આવકારવા માટે અયોધ્યાએ શણગાર સર્જ્યા છે અને આખી નગરી તેમને આવકારવા થનગની રહી છે.
પીએમઓએ જાહેર કરેલા નિવેદન મુજબ, પીએમ મોદીનું વિઝન છે કે અયોધ્યામાં વૈશ્વિક સ્તરનું માળખું તૈયાર કરવામાં આવે અને આધુનિક વિકાસ સહિત કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવે. જે આ શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને અનુરૂપ હોય. આ ઍરપોર્ટનું નિર્માણ રામમંદિરની થીમ આધારિત કરાયું છે. પુન: વિકસિત કરાયેલાં રેલવે-સ્ટેશનનું નામ ‘અયોધ્યા ધામ’ જંક્શન રખાયું છે. અહીં તમામ આધુનિક સુવિધા જોવા મળશે. એ સિવાય અયોધ્યામાં નરેન્દ્ર મોદી નવા ચાર રસ્તાનું પણ ઉદ્ઘાટન કરશે; જેનાં નામ રામપથ, ભક્તિપથ, ધરમપથ, શ્રીરામ જન્મભૂમિ પથ છે. આ રસ્તા થકી રામમંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે.
એરપોર્ટનું ઉદઘાટન કર્યા પછી મોદી એરપોર્ટ નજીકના સ્થળે એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યાંથી તેઓ અયોધ્યા નગર તરફ જશે. એ માટે 15 કિલોમીટર લાંબા રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડશોના રૂટને ‘ધરમ પથ’ નામ આપવામાં આવ્યું છે. રોડશો રૂટ અયોધ્યા એરપોર્ટથી લતા મંગેશકર ક્રોસિંગ અને અયોધ્યા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે. સમગ્ર રૂટ પર અયોધ્યાના વિવિધ મઠ તથા મંદિરોના સાધુસંતો અને સ્થાનિક લોકો મોદીનું સ્વાગત કરશે. મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
રોડ શોમાં ત્રણ લાખ જેટલા લોકો સામેલ થાય એવી ધારણા છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર, સમગ્ર રૂટ પર ડેકોરેશન કરવામાં આવશે. રામાયણ કથાના પ્રકરણો અને ભગવાન શ્રી રામના જીવન સંબંધિત ઘટનાઓનું વર્ણન દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.
સરયૂ નદીના કાંઠે સ્થિત અયોધ્યાના રામ કી પૈડી ઘાટ પર અત્યારે સંગીત અને પ્રકાશનો શણગાર જોવા મળી રહ્યો છે. ત્રેતા યુગની ઘટનાઓને સરયૂના શાંત જળ પર 3D ટેક્નૉલૉજી દ્વારા પ્રોજેક્ટ થઈ રહી છે, જેને જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.