જીવન વીમો સસ્તો થઇ શકે
આવતીકાલે જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠકમાં કેટલાક નિર્ણયો થશે: હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં લોકોને રાહત મળવાના અણસાર: GSTના દરો તર્કસંગત બનાવવા ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાના આરોગ્યની જાળવણી માટે કટિબદ્ધ છે અને તેના અનુસંધાને હવે લોકોને જીવન વીમો સસ્તો કરી આપવાની તૈયારી થઇ રહી છે. ૯મી તારીખે એટલે કે આવતીકાલે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક મળી રહી છે અને તેમાં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ કરાવનારા લોકોને રાહતનો નિર્ણય થવાની આશા છે. લોકોને મોંઘા પ્રીમિયમમાંથી છુટકારો મળશે તેવું નિશ્ચિત માનવામાં આવે છે.
હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ બન્ને વીમા પરના જીએસટીને ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત જીએસટી પરિષદ અન્ય કેટલાક મહત્ત્વના નિર્ણય પણ કરી શકે છે.જીએસટીના દરોને તર્કસંગત બનાવવા સહિતના મુદ્દા પર પણ ચર્ચા થવાની છે. જો કે સૌથી મહત્ત્વની બાબત એ છે કે વીમા પર લાગતા જીએસટીમાં ઘટાડો કરવાની માગણી લાંબા સમયથી થઇ રહી છે અને સરકાર પણ આ બાબતમાં કૂણું વલણ ધરાવે છે.
સરકારનો મત એવો છે કે લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા અને જોખમને ધ્યાનમાં રાખીને વીમો કરાવે છે ત્યારે તેમને પ્રીમિયમ મોંઘું મળવું જોઇએ નહીં.જીએસટીમાં ઘટાડો અત્યારે લોકઆરોગ્યની દૃષ્ટિએ જરૂરી છે તેવો રિપોર્ટ પણ સરકારને મળી ગયો હતો. વિપક્ષ દ્વારા પણ એવી માગણી થઇ રહી છે કે જીએસટી સંપૂર્ણપણે હટાવી દેવાની જરૂર છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સસ્તા થવાથી દેશના લાખો નહીં બલે કરોડો લોકોને ફાયદો થઇ શકે છે અને આવતીકાલે લોકો માટે સારો નિર્ણય પણ થઇ શકે છે.