વટ છે ભારતનો: કાશ પટેલ હવે સતાવાર રીતે એફબીઆઈના વડા
ભારતવંશી કાશ પટેલ હવે સત્તાવાર રીતે અમેરિકાની ટોચની તપાસની એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના વડા બની ચૂક્યા છે. ટ્રમ્પે તેમનેવએ પદ પર નિયુક્ત કર્યા બાદ હવે સેનેટે પણ 51 વિરુદ્ધ 49 મતથી તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. એફબીઆઈના વડા તરીકે કાર્યભાર સંભાળનાર તેઓ પ્રથમ ભારતવંશી છે. કાશ પટેલની નિમણુકને પગલે મોટો વિવાદ થયો હતો.
તેમને ટ્રમ્પ ની કઠપૂતળી ગણાવવામાં આવ્યા હતા. ભૂતકાળમાં તેમણે એફબીઆઈ વિશે કરેલા નિવેદનોને કારણે તેઓ વિવાદમાં હતા. એફબીઆઇ જેવી સંસ્થાના વડા તરીકે તેઓ સક્ષમ ન હોવાનું કેટલાક સાંસદોએ જણાવ્યું હતું. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો હતો અને એ પાર્ટીના બે મહિલા સેનેટરોએ પણ કાશ પટેલની વિરુદ્ધમાં મત આપતા ભારે રસાકસી જામી હતી. જો કે અંતે બે મતની પાતળી બહુમતી મળતા તેમની નિમણૂક પર આખરી મંજૂરીની મહોર લાગી ગઈ હતી. સેનેટની મંજૂરી મળ્યા બાદ કાશ પટેલે ટ્રમ્પનો આભાર માન્યો હતો. એફબીઆઈ હવે અમેરિકાના હિત માટે કામ કરશે તેમ જણાવી તેમણે એફબીઆઈમાં રહીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા તત્વોની ખેર નહીં રહે તેવી ચેતવણી પણ આપી હતી.
એફબીઆઈનું વોશિંગ્ટન ખાતેનું વડું મથક બંધ કરવાનો નિર્ધાર દર્શાવ્યો હતો
કાશ પટેલે એફબીઆઈના વોશિંગ્ટન ખાતેના હેડક્વાર્ટરને બંધ કરી દઈ ત્યાં ‘ ડીપ સ્ટેટ ‘ મ્યુઝીયમ બનાવવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. ટ્રમ્પના ટિકાકારો સામે થયેલી હિંસાને ઉચિત ગણાવતા મેમે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કર્યા હતા. ‘ બ્લુ
પ્રિન્ટ ટુ ટેક બેક ધ વ્હાઇટ હાઉસ ‘ નામના તેમના પુસ્તકમાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના એજન્ડાને ન અનુસરનારા લોકોને તગેડી મૂકવાની હાકલ કરી હતી.
એફબીઆઇની 50 ફિલ્ડ ઓફિસ 38000 કર્મચારીઓ કામ કરે છે
એફબીઆઇ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ નું સૌથી મહત્વનું અંગ છે. વોશિંગટન ખાતે વડુ મથક ધરાવતી આ સંસ્થાની 50 ફિલ્ડ ઓફિસ છે અને કુલ 38,000 કર્મચારીઓ તેમાં ફરજ બજાવે છે. આ એજન્સી અત્યંત જટિલ કક્ષાના વ્હાઇટ કોલર ક્રાઇમ,
સાયબર એટેક, હત્યા ,અપહરણ અને જાતીય સતામણી તેમ જ રાજકીય ષડયંત્રો સહિતના અનેક ક્ષેત્રોના કેસોની તપાસ કરે છે.
FBI હાલમાં સૌથી વધુ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.
ટ્રમ્પ અને એફબીઆઇ વચ્ચે બારમો ચંદ્રમા છે. ટ્રમ્પ સામેના કેસોની તપાસ એફબીઆઇ એ કરી હતી.ટ્રમ્પે તેમની સામે એફબીઆઈ નો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પ્રમુખ પદ સંભાળ્યા પછી અનેક અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ સામેથી રાજીનામાં આપી દીધા છે. જુન 2021માં કેપિટલ હોલ ખાતે થયેલા તોફાનો અને તેમાં ટ્રમ્પની ભૂમિકાની તપાસ કરનાર 5000 કર્મચારીઓ સામે પણ આકરા પગલાં તોળાઈ રહ્યા છે.અધૂરામાં પૂરું હવે ટ્રમ્પના ખાસ ગણાતા કાશ પટેલની નિમણૂક ને પગલે એફબીઆઈ ની સત્તા પર કાપ મૂકાવાની તેમજ કાર્યપદ્ધતિમાં અમૂલ ફેરફાર થવાની સંભાવના છે.