ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે ધરપકડ
વિદેશ ભાગી ગયા હતા : પરત આવતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી કરી ધરપકડ
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ ના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કૌભાંડ બહાર આવ્યું ત્યારથી તે ફરાર હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઑસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો. કાર્તિક પટેલે મુકેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને ગઈ મોડી રાત્રે દુબઈથી અમદાવાદ એરપોર્ટ આવતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી હતી.
કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવતાં તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કાર્તિક પટેલને ઝડપવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા.આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ખ્યાતિ કાંડનાં ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ થતાં હવે અનેક ખુલાસાઓ થશે.