જજ ઉપર ખાનગી હિત ધરાવનારા લોકો દબાણ કરતા હોય છે
આજે નિવૃત થઇ રહેલા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડે કરી ‘મન કી બાત’
અદાલતોના નિર્ણયો ઉપર પ્રભાવ લાવવા મીડિયાનો ઉપયોગ થાય છે.
નિવૃત્તિ પછી શું કરવું એ નિર્ણય સમજી વિચારીને લઈશ
સોમવારે નિવૃત થઇ રહેલા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડે સ્પષ્ટ કહ્યું હતું કે, કોર્ટમાં જજ ઉપર અનેક પ્રકારના દબાણ આવતા હોય છે. માત્ર રાજકીય દબાણ નહી પરંતુ ખાનગી હિત ધરાવનારા લોકો પણ દબાણ લાવતા હોય છે. તેમણે કહ્યું કે ઘણા કિસ્સામાં અદાલતોના નિર્ણય ઉપર પ્રભાવ લાવવા માટે મીડિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે ખાનગી હિત ધરાવતા જૂથો સમાચાર, ટીવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે કરે છે અને આવા સંજોગોમાં ન્યાયાધીશ ઘણીવાર કોઈ ચોક્કસ દિશામાં જવા માટે દબાણ અનુભવે છે.
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ધ્યાન દોર્યું કે અહીં સ્વતંત્રતાની કિંમત ભારે ટ્રોલ થઈને ચૂકવવી પડે છે. અહી તમને ટ્રોલ કરવામાં આવશે, તમારા પર હુમલો કરવામાં આવશે,” “મને લાગે છે કે મેં સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો છે,તેણે ઉમેર્યું કે તેણે ક્યારેય પૂર્વ ધારણા મુજબ ચુકાદાને ફિટ કરવાનો પ્રયાસ કર્યો નથી.
તેમણે કહ્યું હતું કે, દેશના ચીફ જસ્ટીસ ઉપરાંત તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોએ વહીવટી બાજુએ સરકારો સાથે કામ કરવાની જરૂર છે.”હું હંમેશા સરકાર સાથે નિખાલસ રહ્યો છું,” CJI એ એવા સમયનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે સરકાર કોલેજિયમના નિર્ણયને સ્વીકાર્યો ન હતો. તેમણે પ્રમાણિકપણે ઉમેર્યું હતું કે, તમામ મતભેદો ઉકેલી શકાતા નથી”
આ મતભેદોનું કદાચ સૌથી જાણીતું ઉદાહરણ છે – સરકારે વકીલ સૌરભ કિરપાલને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાના કોલેજિયમના નિર્ણયને હજુ સુધી માન્ય કર્યો નથી –
નિવૃત્તિ પછી શું કરશો તેવા સવાલના જવાબમાં ડી.વાય ચંદ્રચુડે કહ્યું હતું કે, આ બાબતે હજુ વિચાર્યું નથી. કોઈ પણ જજની એક છબી બની જતી હોય છે…લોકોની નજરમાં તમે કાયમ જજ રહો છો..
ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના પત્રકારે પૂછ્યું કે તમે રાજકારણમાં જોડાશો, રાજ્યસભામાં જશો…તો તેના જવાબમાં ડી.વાય ચંદ્રચુડે કહ્યું હતું કે, હું આ પ્રશ્નનો જવાબ નહિ આપું કારણ કે જવાબ આપું તો એવું લાગે કે હું મારા પુરોગામી ચીફ જસ્ટીસ વિષે કોમેન્ટ કરું છું..મારા મનમાં તેમના માટે બહુ સન્માન છે. હું નિવૃત્તિ પછી મારી ગરિમાનું ધ્યાન રાખીશ અને જે કાંઇ કરીશ એ સમજી વિચારીને કરીશ.
બુલડોઝરરાજ સ્વીકાર્ય નથીઃ નિવૃત્તિ પહેલાં ચીફ જસ્ટીસ ચંદ્રચૂડનો અંતિમ ચુકાદો
નાગરિકોની સંપત્તિ નષ્ટ કરવાની ધમકી આપીને અવાજ દબાવી શકાય નહીં.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર બુલડોઝરથી ન્યાય તોળતી હોય તેવી સ્થિતિ છે જેમાં કેસ ચાલે તે પહેલાં આરોપીઓના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવે છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે વિદાય લેતા પહેલાં અંતિમ ચુકાદામાં આવા બુલડોઝર રાજની ટીકા કરી છે. તેમણે કહ્યું કે દેશમાં બુલડોઝર ન્યાય સ્વીકાર્ય નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે નિવૃત્તિ પહેલાં મહત્ત્વના આદેશો અને ચુકાદા આપ્યા છે. બુલડોઝર એક્શનને વખોડતાં તેમણે કહ્યું કે, કાયદાના શાસન હેઠળ બુલડોઝરનો ન્યાય સ્વીકાર્ય નથી. જો તેની મંજૂરી આપવામાં આવે તો આર્ટિકલ 300 એ અંતર્ગત સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા ખતમ થઈ જશે.
સુપ્રીમ કોર્ટે છ નવેમ્બરે આ મામલે ચુકાદો આપ્યો હતો. પરંતુ તેનું સંપૂર્ણ જજમેન્ટ હવે અપલોડ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં એક પત્રકારના ઘર પર 2019માં બુલડોઝર ફેરવવા બદલ આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, બુલડોઝર મારફત ન્યાય તોળવામાં આવે, તે કોઈપણ સભ્ય વ્યવસ્થા માટે યોગ્ય નથી. આ અત્યંત ગંભીર જોખમ છે. રાજ્યના કોઈપણ અધિકારી દ્વારા મનમાની અને ગેરકાયદેસર વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવે તો જનતાની સંપત્તિઓ નષ્ટ થઈ જશે. નાગરિકોની સંપત્તિ અને ઘરોને નષ્ટ કરવાની ધમકી આપીને તેમનો અવાજ દબાવી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિ પાસે તેની અંતિમ સુરક્ષા તેનું ઘર હોય છે, સંપત્તિ પર ગેરકાયદે કબજો અને અતિક્રમણ યોગ્ય નથી.
આ કેસમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે યોગ્ય કાર્યવાહીનું પાલન કર્યા વગર ઘર તોડી પાડવા બદલ અરજદારને રૂ.25 લાખનું અંતિમ વળતર આપવા નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત ઘર પર બુલડોઝર ફેરવવા માટે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યો છે.17 સપ્ટેમ્બરે દેશભરમાં બુલડોઝરથી ન્યાય બંધ કરવા આદેશ અપાયો હતો. જો કે, અતિક્રમણ અને ગેરકાયદે કબજે કરવામાં આવેલી જમીન-મકાનો પર આ ચુકાદો લાગુ થતો નથી.