ગરમીમાં શેકાવા કરતાં રેનબસેરામાં ચાલ્યા જાવ !! રાજકોટ મનપા કરશે ‘સમર ડ્રાઇવ’, રેનબસેરામાં મળશે આ સુવિધા
રાજકોટ સહિત ગુજરાતમાં અત્યારે આગઝરતી ગરમી પડી રહી છે જેના સામે રક્ષણ મેળવવા માટે અવનવા કીમિયા અખત્યાર કરે છે. જો કે હજારો લોકો એવા છે જેમના માટે ઉપર આકાશ અને નીચે ધરતી જેવું જ હોય છે ત્યારે આવા લોકો ગરમીમાં ન શેકાય તે માટે મહાપાલિકા દ્વારા ‘સમર ડ્રાઈવ’ યોજી ઘરવિહોણા લોકોને રેનબસેરામાં ખસેડવાની કાર્યવાહી કરશે. આ ઝુંબેશમાં લોકોને પણ સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મહાપાલિકાની ટીમ આખો દિવસ શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ફરશે અને જ્યાં જ્યાં રખડતું-ભટકતું જીવન જીવતાં લોકો જોવા મળશે એટલે તેમને સમજાવીને રેનબસેરામાં સ્થળાંતરિત કરશે. આ ઉપરાંત જો લોકોને પણ આવા જરૂરિયાતમંદ ધ્યાન ઉપર આવે તો ૧૫૫૩૦૪ ઉપર ફોન કરી તંત્રને જાણ કરી શકશે. ફોન આવ્યાની ૨૪ કલાકમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે. અત્યારે શહેરમાં પાંચ સ્થળે રેનબસેરાની વ્યવસ્થા જ્યાં વિનામૂલ્યે ભોજન, પાણી, સ્નાન-શૌચાલય સહિતની સગવડ લોકોને આપવામાં આવશે.