પંજાબમાં પોલીસે વકીલને અપ્રાકૃતિક સેક્સ કરાવ્યું
એસપી સહિત બે પોલીસ કર્મી ની ધરપકડ
પંજાબ હરિયાણા હાઇકોર્ટના વકીલો હડતાલ પર
પંજાબના મુક્તસરમાં એક ગુનાના આરોપસર ધરપકડ કરાયેલા વકીલ અને સહ આરોપીને પોલીસે કસ્ટડીમાં અપ્રાકૃતિક સેક્સ કરાવ્યું હોવાનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવના વિરોધમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના વકીલોએ હડતાલ પાડી વિરોધ કર્યા બાદ એસપી સહિત છ પોલીસ કર્મચારી સામે અત્યાચાર અને બળજબરીપૂર્વક અપ્રાકૃતિક સેક્સ કરાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એસપી અને એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ આ વકીલ અને અન્ય એક શખ્સ સામે પોલીસ ની ફરજમાં રૂકાવટ કરી, પોલીસ પર હુમલો કરી અને કપડાં ફાડી નાખવાની મુક્તસરની ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન એજન્સી એ ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના અનુસંધાને પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ કસ્ટડીમાં આ ધ્રુણાસ્પદ ઘટના બની હતી.
આ બનાવની જાણ થતા પંજાબ હરિયાણા હાઇકોર્ટ બાર એસોસિએશનના વકીલો મંગળવારથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. બનાવ અંગે વકીલોએ મુખ્યમંત્રી ભગવંત માનને રજૂઆત કર્યા બાદ આ અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે મુક્તસરના એસપી રમણદીપ સિંઘ ભુલ્લર અને કોન્સ્ટેબલ હરબન્સ સિંઘ ની ધરપકડ કરી હતી. આ બનાવની તપાસ માટે એસપી કક્ષાના ચાર સભ્યોની એસઆઇટી નિમવામાં આવી છે.