પાકિસ્તાનને આતંકવાદ ખતમ કરવો હોય તો ભારત મદદ માટે તૈયાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે મદદની ઓફર કરી : ચીન ગમે તેટલાં વિસ્તારના નામ બદલે કોઈ ફેર પાડવાનો નથી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આ દિવસોમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન ચીન અને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. એક ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને આતંકવાદનો સામનો કરવા માટે મદદની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતે આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ લાગે છે તો ભારત આતંકવાદને રોકવા માટે તેને સહયોગ કરવા તૈયાર છે.
રાજનાથ સિંહે કહ્યું, ‘પાકિસ્તાન પાસેથી મારી અપેક્ષા છે કે જો તે આતંકવાદનો સહારો લઈને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાને આતંકવાદ પર અંકુશ રાખવો જોઈએ. જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને અંકુશમાં રાખવામાં અસમર્થ છે, તે કરી શકતું નથી, તો પાડોશી દેશો ભારત પાસે સહયોગ માંગી શકે છે.ભારત આતંકવાદને રોકવા માટે તેમને સહકાર આપવા તૈયાર છે.
શું ભારતની જમીન ચીન દ્વારા કબજે કરવામાં આવી છે? તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીની સરકાર દરમિયાન કોઈ એક ઈંચ પણ જમીન પર કબજો કરી શક્યુ નથી. અમે ક્યારેય આપણી જમીન જવા દઈશું નહીં. PoKનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું, ‘PoK આપણું હતું, છે અને રહેશે.’
રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના ચીન દ્વારા “નામ બદલવા” પર તીખી પ્રતિક્રિયા આપી હતી. રક્ષા મંત્રીએ પૂછ્યું કે જો ભારત પણ આવા જ પ્રયાસો કરે તો શું તેનો અર્થ એ થશે કે ચીનના તે વિસ્તારો આપણા પ્રદેશનો ભાગ બની ગયા છે. અરુણાચલ પ્રદેશના નમસાઈ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પગલાથી જમીની વાસ્તવિકતા બદલાશે નહીં.