માલદીવ સરકાર સામે ભારત કેવી રીતે સખત બન્યું? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોમેન્ટ કરવાનું માલદીવના મંત્રીઓને ભારે પડ્યું છે અને માલદીવની સરકાર પણ બરાબરની ફસાઈ છે. આ મુદ્દો ભારે ગરમ બની ગયો હતો અને તે દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા માલદીવના ભારત ખાતેના રાજદૂતને કચેરી પર હાજર થવા સૂચના આપી હતી.
માલદીવના રાજદૂતે વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થઈને ચોખવટો કરી હતી. ભારતે પોતાનો આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન માલદીવમાં ભારતીય હાઇ કમિશન દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આમ તો માલદીવની સરકારે રવિવારે જ કોમેન્ટ કરનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને ભારત સાથે સારા સબંધો રાખવાની વાતો કરી હતી. સોમવારે માલદીવના રાજદૂતને બોલાવીને ભારતે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, માત્ર સસ્પેન્ડ કરવાથી કામ નહિ ચાલે એમને બરખાસ્ત કરવામાં આવે.
વિદેશ મંત્રાલય દ્વારા એવો સખત મેસેજ પણ આપવમાં આવ્યો હતો કે, માલદીવે ભારત સાથેના સબંધો ખરાબ કરી દીધા છે અને હવે તેને સુધારવાની જવાબદારી માલદીવ સરકારની રહેશે. માલદીવના રાષ્ટ્રપતિની ખામોશી અંગે પણ ભારતે નારાજગી વ્યક્ત કરી હતી.
ટ્રાવેલ પોર્ટલે માલદીવના બુકિંગ કર્યા રદ્દ
માલદીવે મોટી ભૂલ કરીને ભારત સાથે સબંધ બગાડી દીધા છે ત્યારે હવે તેની અસર પ્રવાસીઓ પર પડી છે. ભારતીય ટ્રાવેલ કંપનીઓએ હજારો માલદીવના બુકિંગ રદ્દ કરી દીધા હતા અને પ્રવાસીઓને લક્ષદ્વીપ જવા માટે પ્રેરિત કર્યા હતા અને તેના માટે ખાસ પેકેજ પણ શરૂ કરી દીધા હતા. ઇસ માય ટ્રીપ દ્વારા એવો સંદેશો આપવામાં આવ્યો હતો કે, અમે અમારા દેશ સાથે ઉભા છીએ અને માલદીવ માટેના હજારો બુકિંગ અમે રદ્દ કર્યા છે.