બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે કેવી રીતે ઝાટક્યા ? વાંચો
પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને શિષ્ય બાલક્રિષ્ના પર ભ્રામક જાહેરાતોના આરોપો બદલ કોર્ટનો તિરસ્કાર કરવાના કેસ મામલે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલ ક્રિષ્નાની મંગળવારે આકરી ઝાટકણી કાઢી હતી. અદાલતે બે દિવસમાં ઓનરેકોર્ડ માફીનામું જાહેર કરવાની બાબા રામદેવને સૂચના આપી હતી. વધુ સુનાવણી 30 મી એપ્રિલ પર રાખી હતી. હવે મોટી સાઇઝમાં માફીનામું જાહેર કરવું પડશે.
સુપ્રીમ કોર્ટે એવો તીખો સવાલ પણ કર્યો હતો કે, શું તમારૂ માફીનામું તમારી મોટી-મોટી ફૂલપેજની ભ્રામક જાહેરાતોની સાઈઝ જેટલું જ મોટું હતું.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પતંજલિ આયુર્વેદને ફરી મોટી સાઈઝમાં માફીનામું અખબારોમાં છપાવવા આદેશ કર્યો હતો. તેમજ રામદેવ અને બાલ ક્રિષ્નાને 30 એપ્રિલે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો.
રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, અમે માફીનામુ રજૂ કરી ચૂક્યા છીએ. જેના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું કે, કાલે કેમ રજૂ કર્યું, હાલ અમે રજૂ કરેલા બંડલો જોઈ શકીશું નહિં. તમારે પહેલેથી જ રજૂ કરવુ હતું. જ્યારે જસ્ટિસ અમાનુલ્લાના માફીનામું ક્યા પ્રકાશિત થયું છે, તેવા સવાલના જવાબમાં રોહતગીએ જણાવ્યું હતું કે, 67 અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેના પર રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાદમાં કોહલીએ પૂછ્યું કે, તમારી ભ્રામક જાહેરાતોની સાઈઝમાં જ માફીનામુ પ્રકાશિત કર્યું હતું, તો તેનો જવાબ રોહતગીએ ના આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ગંભીરતા નહીં રાખવા બદલ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની પણ આલોચના કરી હતી.