ગોપાલ નમકિનનું પ્રોડક્શન યુનિટ બળીને ખાક
TRP અગ્નિકાંડ પછી રાજકોટમાં બીજી મોટી આગ: મેજર કોલ હોવાથી છેક રિલાયન્સમાંથી બંબા મંગાવ્યા
મેટોડામાં આવેલી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગતાં અફડાતફડી
બુધવારની રજા હોવાથી ૪૦૦૦ કારીગરોને બદલે માત્ર ૧૦% જ હાજર હતા
બધાને સુરક્ષિત બચાવી લેવાયા, કરોડો રૂપિયાનું નુકસાન
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને હજુ છ મહિના પૂર્ણ થયા છે ત્યાં જ તેના જેવી બીજી મોટી આગ લાગતાં સૌના જીવ પડીકે બંધાયા હતા. રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલા ગોપાલ નમકિનના પ્રોડક્શન યુનિટમાં ભરબપોરે ભયાનક આગ ફાટી નીકળતાં અફડાતફડી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક `મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટે રાજકોટ ઉપરાંત રિલાયન્સમાંથી પાણીના બંબા મંગાવવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોપાલ નમકિનમાં દરરોજ મોટાપાયે ફરસાણ, નમકિન, પાપડ સહિતની ખાદ્યવસ્તુઓનું પેકિંગ કરીને રાજકોટ સહિત આખા ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહી છે. જો કે બુધવારે બપોરના અરસામાં અચાનક જ પેકિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તે આખા પ્રોડક્શન યુનિટમાં ફેલાઈ જતાં સઘળું બળીને ખાક થઈ જવા પામ્યું હતું.
સદ્ભાગ્યે બુધવારની રજા હોવાને કારણે અહીં ૩૫૦થી ૪૦૦ કારીગરો જ ઉપલબ્ધ હતા. જો અન્ય દિવસ હોત તો ૪૦૦૦ જેટલા કારીગરો અહીં હાજર હોય છે. જો કે ફાયરબ્રિગેડે સમયસર પહોંચીને અંદર રહેલા તમામ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા. એકંદરે આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
૧:૩૦એ આગ લાગી, ૨:૩૬એ ફાયર બ્રિગેડને જાણ કરાઈ !
ગોપાલ નમકિનના પ્રોડક્શન યુનિટમાં બુધવારે બપોરે ૧:૩૦ વાગ્યે આગ લાગી હતી. આગ લાગતાં જ યુનિટમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોથી કારીગરો દ્વારા આગ બુઝાવવા માટે પ્રયત્ન કરાયો હતો પરંતુ આગ બુઝાવાને બદલે વધુ વિકરાળ બની જતાં આખરે ૨:૩૬ વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં સ્ટાફ તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો અને આગ ઓલવવાની સાથે સાથે લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું શરૂ કરાયું હતું.
મોટાપાયે પ્લાસ્ટિક પડ્યું હોવાથી કાળા ધૂમાડાને કારણે મેટોડા ઢંકાઈ ગયું
જ્યાં આગ લાગી તે ગોપાલ નમકિનના પ્રોડક્શન યુનિટમાં ફરસાણ સહિતના પેકિંગ માટે પ્લાસ્ટિક રાખવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક સળગી જવાને કારણે કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા પ્રસરવા લાગતાં એક સમયે મેટોડાનો મહત્તમ વિસ્તાર ધૂમાડાથી ઢંકાઈ ગયો હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.
…તો અડધું મેટોડા ભડકે બળ્યું હોત
સ્થળ પર હાજર ફાયર અધિકારી દિનેશ ચાંચિયાએ જણાવ્યું હતું કે પ્રોડક્શન યુનિટની બાજુમાં જ ઓઈલ ભરેલા ટેન્કર પડેલા હતા એટલા માટે ત્યાં સુધી આગ ન પ્રસરી જાય તે માટે ફાયર જવાનોએ ત્યાં પાણીનો વધુ મારો ચલાવ્યો હતો. જો આ ટેન્કર સુધી આગ પહોંચી ગઈ હોત તો અડધું મેટોડા ભડકે બળી જાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી હોત…
આગ શરૂ થતાં જ રાડારાડ કરીને બધાને એકઠા કરી લેવાયા: સિક્યુરિટી
મુખ્ય ગેઈટના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે આગ શરૂ થતાં જ હાજર કર્મીઓ દ્વારા રાડારાડ કરી મુકાઈ હતી અને બધાને એકઠા કરીને યુનિટમાં હાજર ફાયર સેફ્ટીના સાધનોથી આગ બુઝાવવાનું શરૂ કરીદેવામાં આવ્યું હતું. આ આગ પેકેજિંગ યુનિટમાં લાગી હતી. અગાઉ ક્યારેય આ પ્રકારે આગનો બનાવ બન્યો ન્હોતો. જો કે બુધવારે રજા હોવાથી મોટાભાગના કર્મચારીઓ અહીં હાજર ન્હોતા.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન: પ્રાંત અધિકારી
રાજકોટ (ગ્રામ્ય) પ્રાંત અધિકારી વિમલ કીર્તિએ જણાવ્યું કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ૧૨ ફાયર ટેન્ડર આગ ઓલવવા માટે મહેનત કરી રહ્યા છે. તમામ ફાયર ફાયટરને સ્થળ પર જ રિફિલિંગ મતલબ કે ત્યાં જ પાણી ભરી દેવામાં આવતું હોવાથી કામમાં ઝડપ આવી હતી. આગને કારણે કેટલું નુકસાન થયું તે સહિતના મુદ્દે આગ કાબૂમાં આવ્યા બાદ સ્પષ્ટતા થઈ શકશે.
૨૦થી વધુ ટે્રક્ટર, ૧૦થી વધુ ટ્રક પાણી ભરીને દોડ્યા…
આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા ૨૦થી વધુ ટે્રક્ટરમાં પાણી ભરીને સ્થળ પર પહોંચાડવામાં આવ્યું હતું. આ જ રીતે ૧૦થી વધુ ટ્રકમાં પાણીનો જથ્થો પહોંચાડી દેવામાં આવતાં આગને આગળ પ્રસરતી અટકાવી શકાઈ હતી. આગને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બની જાય તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.