પેરાસીટામોલ સહિત ચાર દવાઓ નકલી નીકળી, 49 સેમ્પલ ફેલ
સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીદ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો
સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (સીડીઆરએ) દ્વારા કરવામાં આવેલી તપાસમાં, દેશમાં ચાર ખૂબ જ લોકપ્રિય દવા બ્રાન્ડના નમૂના નકલી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 49 દવાઓના નમૂના ગુણવત્તાના ધોરણો નબળા હોવાને લીધે ફેઈલ ગયા છે. સીડીઆરએ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, પેરાસીટામોલ, પેન્ટોપ્રાઝોલ બ્રાન્ડ પાન ડી, કેલ્શિયમ સપ્લીમેન્ટ સેલકેલ 500 અને વિટામિન ડી-3ના નમૂના નકલી હોવાનું જણાયું હતું.
જેના નમુના ફેઈલ ગયા છે તેમાં ઓક્સીટોસિન, મેટ્રોનીડાઝોલ અને ફ્લુકોનાઝોલ સહિતની ઘણી દવાઓના નમૂનાનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે જે દવાઓના સેમ્પલ માપદંડોને પૂર્ણ કરતા નથી તે અલકામ હેલ્થ સાયન્સ, એરિસ્ટો ફાર્મા, કેમિલા ફાર્મા, ઈનોવા કેપ્ટન, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ અને ઈપકા લેબોરેટરીઝના છે. આ દવાઓનો ઉપયોગ ડાયાબિટીસ, પેઈનકિલર, આઈડ્રોપ્સ અને કફ સિરપના રૂપમાં થાય છે. આવી ફાર્માસ્યુટિકલ કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે. દવાઓની આ બેચ બજારમાંથી પરત મંગાવવા માટે સૂચના આપવામાં આવી છે.
દેશના ડ્રગ કંટ્રોલર જનરલ રાજીવ સિંહ રઘુવંશીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં 3,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી, 49 દવાઓ ધોરણોને પૂર્ણ કરતી નથી. તેમણે કહ્યું કે કુલ સેમ્પલમાં માત્ર 1.5 ટકા દવાઓ જ માપદંડો અનુસાર નથી. રઘુવંશીએ જણાવ્યું હતું કે દવાના નમૂના ધોરણોને પૂર્ણ કરતા નથી તેનો અર્થ એ નથી કે તે નામ હેઠળ વેચાતી તમામ દવાઓ સબસ્ટાન્ડર્ડ છે. તે ચોક્કસ બેચની દવાઓ ધોરણોને અનુરૂપ ન હોવાનું માનવામાં આવે છે.