અલવિદા મનમોહન સિંહ !! પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મનમોહન સિંહ ઘણા સમયથી બીમાર હતા ત્યારે આજે દિલ્હી એઇમ્સમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી માહિતી મુજબ મનમોહન સિંહની વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ખૂબ જ બીમાર હતા. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી જવા રવાના થયા છે.
એમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી એઈમ્સ પહોંચ્યા છે. સોનિયા ગાંધી પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે.
મનમોહન સિંહે ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો
ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.