કુટુંબ નિયોજન ઘટ્યું !! રાજકોટ જિલ્લામાં નસબંધીમાં 50 ટકાનો ઘટાડો
- રાજકોટ જિલ્લામાં 2023-24માં નસબંધીનાં 5514 કેસ સામે વર્ષ 2024-25માં માત્ર 2110 કેસ
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં ભારતની વસ્તી 150 કરોડને વટાવી જાય તેમ હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે વસ્તી વિસ્ફોટને રોકવા માટે કુટુંબ નિયોજન યોજના અમલમાં હોવા છતાં પાછલા વર્ષોમાં રાજકોટ સહિત રાજ્યભરમાં કુટુંબ નિયોજનનું પ્રમાણ સતત ઘટી રહ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના આંકડા મુજબ જિલ્લામાં ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીમાં સ્ત્રી નસબંધીના કેસ 50 ટકા ઘટયા છે અને પુરુષ નસબંધીમાં તો આંકડા ડબલ ડિજીટમાં પણ નહીં પહોંચતા હોવાનું સામે આવ્યું છે.
ભારત સરકાર દવારા વસ્તી વધારા નિયંત્રણ માટે ૧૯પર થી કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અમલમાં છે. રાજકોટ જીલ્લાના ૭ બ્લોક અને ૧૪ તાલુકાના ૪૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૩૦ પેટા આરોગ્ય કેન્દ્રોમાં કુટુંબ કલ્યાણની સેવાઓ આપવામાં આવે છે. તથા આ યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આઇ.ઇ.સી.અધિકારીના માર્ગદર્શન નીચે દરેક બ્લોકના બ્લોક આઈ.ઈ.સી. ઓફીસર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. જો કે, તેમ છતાં પણ વર્ષ 2023-24માં સ્ત્રી નસબંધીનાં 5514 કેસ તેમજ પુરુષ નસબંધીના 2 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જો કે, વર્ષ 2024-25માં ઓક્ટોબર મહિના સુધીમાં રાજકોટ જિલ્લામાં સ્ત્રી નસબંધીના 2110 કેસ અને પુરુષ નસબંધીના 3 ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત દ્વારા જીલ્લાના દરેક તાલુકાના નકકી કરેલા સ્થળે તથા સમયે કુટુંબ કલ્યાણ યોજના હેઠળના સ્ત્રી વ્યંધિકરણ ઓપરેશન તથા પુરુષ નસબંધી ઓપરેશન ના કેમ્પ યોજવામાં આવે છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ, સબસેન્ટર કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ એફ.એચ. ડબલ્યુ. દવારા કોપર-ટી મુકવામાં આવે છે. તથા આરોગ્ય કર્મચારી ( પુરુષ અને સ્ત્રી) દવારા નિરોધ તથા ઓરલપીલ્સનું વિતરણ કરવામાં આવે છે. જો કે, આજના સમયમાં નસબંધીના બદલે કોપર ટી સહિતની ટેમ્પરરી કુટુંબ નિયોજન પદ્ધતિ વધુ અપનાવામાં આવી રહી હોવાથી નસબંધીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, જેમાં ખાસ કરીને પુરુષ નસબંધીના કિસ્સાઓમાં ખોટી માન્યતાઓને કારણે તંત્રને સફળતા મળતી ન હોવાનું સામે આવ્યું છે.
સ્ત્રી અને પુરુષો માટે નસબંધીના ઓપરેશન
કુટુંબ કલ્યાણ માટે લાયક દંપતિઓમાં સ્ત્રીઓ માટે ટી.એલ. તથા એલ.ટી.એલ ઓપરેશન તથા પુરુષો માટે વાઝેકટોમી (પુરષ નસબંધી) એન.એસ.વી.
(ચીરા કે ટાકા વગર નસબંધી) ઓપરેશન કરવામાં આવે છે. જે સેવાઓ જીલ્લા કક્ષાએ જનાના હોસ્પીટલ તથા પદમકુવરબા હોસ્પીટલ તથા તાલુકા કક્ષાએ સબ હોસ્પીટલોમાં આપવામાં આવે છે.
નસબંધી કરાવનારને પ્રોત્સાહન
રાજકોટ સહિત રાજ્યભરમાં અગાઉ નસબંધી કરાવનાર વ્યક્તિને ઘરથાળ માટેના પ્લોટ તેમજ આકર્ષક આર્થિક પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જો કે હાલમાં નસબંધી માટે નીચે મુજબના પ્રોત્સાહન આપવામાં આવે છે.
૧.સ્ત્રી નસબંધી કરાવનાર ને રપ૦ આપવામાં આવે છે.
૨.સ્ત્રી નસબંધી કરાવનાર( બી.પી.એલ લાભાર્થીને) રુ.૬૦૦ આપવામાં આવે છે.
૩.પુરુષ નસબંધી કરાવનાર ને રુ. ૧૧૦૦ આપવામાં આવે છે.
૪.પુત્ર ન હોય અને એક દીકરી બાદ નસબંધી કરાવનારને રુ. ૬૦૦૦ના બચતપત્રો આપવામાં આવે છે.
૫.પુત્ર ન હોય અને બે દીકરી બાદ નસબંધી કરાવનારને રુ. પ૦૦૦ના બચતપત્રો આપવામાં આવે છે.