રામ લલ્લાની ૫૦૦ વર્ષ જૂની મૂર્તિનો મંદિરમાં પ્રવેશ : રાજાની જેમ પૂજાશે
મંદિર તૂટયા બાદ કેટલાય વર્ષોથી એક અસ્થાયી ટેન્ટમાં રાખવામાં આવી હતી મૂર્તિ
રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે અને દરેક લોકો તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજે એટલે કે 20 જાન્યુઆરી શનિવારના રોજ લોકોની 500 વર્ષની રાહનો અંત આવ્યો છે અને રામલલા તેમના અસ્થાયી ટેન્ટમાંથી મુખ્ય મંદિરમાં પ્રવેશ્યા છે.
આજે શ્રી રામની એ મૂર્તિ મંદિરમાં સ્થાપિત થઇ છે જે પહેલા મંદિરમાં હતી પરંતુ મંદિર તૂટયા બાદ કેટલાય વર્ષોથી એક અસ્થાયી ટેન્ટમાં રાખવામાં આવી હતી અને ત્યાં જ એમની પૂજા કરવામાં આવતી હતી.
વાત કઇંક આજથી 500 વર્ષ પહેલાની છે જ્યારે મીર બાંકી તેની સેના સાથે અયોધ્યા પહોંચ્યો અને રામ મંદિર તોડી પાડ્યું હતું. આ પછી મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી. આ રીતે નકશામાંથી ન માત્ર હિંદુ તીર્થસ્થાનોને ભૂંસી નાખવામાં આવ્યા પરંતુ ભગવાન રામ સાથે સંબંધિત પુરાવાઓને પણ ભૂંસી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. એ સમયથી શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરના પુનઃનિર્માણનો સંઘર્ષ આજે પૂર્ણ થયો છે.
500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આજે શ્રી રામ તેમના અસ્થાયી ટેન્ટમાંથી એમના દિવ્ય અને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યા છે. સમગ્ર દેશ આ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.
ભાવિકો બંને મૂર્તિના દર્શન કરી શકશે
અત્યાર સુધી દરેક લોકોના મનમાં એવો સવાલ છે કે જો મંદિરમાં નવી મૂર્તિના દર્શન કરવામાં આવશે તો જૂની મૂર્તિનું શું થશે? લોકોના મનમાં ઉઠતાં આ સવાલને દૂર કરતાં રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે અત્યાર સુધી રામલલાએ પોતાનું જીવન વનવાસીની જેમ જીવ્યું છે. હવે એમની પૂજા રાજાની જેમ કરવામાં આવશે.
નવી મૂર્તિ અંગે તેમણે કહ્યું કે, “માત્ર તફાવત બંનેના કદમાં છે. તેને દૂરથી જોવી મુશ્કેલ છે. નવા મંદિર માટે નવી મૂર્તિની જરૂર છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે દર્શન માટે લોકો આવશે ત્યારે બંને મૂર્તિઓના દર્શન કરી શકશે.” જૂની પ્રતિમા વિશે તેમણે કહ્યું કે, ‘ જેમને આ મૂર્તિ પ્રત્યે વધુ લગાવ હશે તેઓ ગર્ભગૃહમાં એ મૂર્તિ જોઇને વધુ ખુશ થશે. લોકો બંનેનો લાભ ઉઠાવશે.’
