કયા નિવેદન પર ચુંટણી પંચે PM મોદી અને રાહુલ ગાંધીને ફટકારી નોટિસ ??
લોકસભાની ચુંટણીને લઈને હાલ તમામ પાર્ટીઓ દ્વારા સભા સંબોધવા આવી રહી છે અને મતદારોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. સભા દરમિયાન દરેક પક્ષો વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં હોય છે ત્યારે આચારસંહિતા ભંગ કરવા બદલ ચુંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી છે તેમજ ચૂંટણી પંચે બંને પક્ષો પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદો નોંધાવી હતી અને તેમના પર લોકોમાં નફરત ફેલાવવાનો અને ધર્મ, જાતિ, સંપ્રદાય અને ભાષાના નામે અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ચૂંટણી પંચે પીએમ મોદી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી ઉલ્લંઘનની ફરિયાદો પર ભાજપ અને કોંગ્રેસ પાસેથી જવાબ માંગ્યો છે. આચારસંહિતા ભંગની ફરિયાદો વચ્ચે પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી છે. પંચે બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.
રાજસ્થાનમાં પીએમ મોદીના ભાષણ પર વિવાદ
પીએમ મોદીએ તાજેતરમાં રાજસ્થાનમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો તે લોકોની સંપત્તિ ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે. આ દરમિયાન વડાપ્રધાને પૂર્વ પીએમ મનમોહન સિંહના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં મનમોહન સિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો પ્રથમ અધિકાર છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને અપીલ કરી હતી કે પીએમ મોદીનું નિવેદન વિભાજનકારી અને દૂષિત છે અને આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચને 140 પેજમાં 17 ફરિયાદો કરી હતી.
ભાજપે રાહુલ ગાંધીના દાવાને જુઠ્ઠાણા ગણાવ્યા
ભાજપે 22 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી. ભાજપે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધારવાના ખોટા વાયદા કરી રહ્યા છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ દેશમાં ભાષા અને પ્રદેશના આધારે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો અને ચૂંટણીનું વાતાવરણ બગાડ્યું.