દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ..વાંચો કારણ
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે કેજરીવાલની ધરપકડ કરી છે. ટીમે આજે 21 માર્ચે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી જઈ પૂછપછ શરૂ કરી હતી. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ઘરમાં સર્ચ ઓપરેશન અને કેજરીવાલની પૂછપરછ
હાલ મળતા અહેવાલો મુજબ ઈડીની ટીમ કેજરીવાલના ઘરમાં સર્ચ ઓપરેશન કરી છે તેમજ તેમની પૂછપરછ પણ કરી રહી છે. તેમના નિવાસસ્થાનની અંદર અને બહાર પોલીસ અધિકારીઓની ટીમ, બહાર બેરીકેડ્સ, પોલીસનો કાફલો અને RAF પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત AAPના કેટલાક નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ તેમને 10મું સમન્સ પાઠવવા ઉપરાંત પૂછપરછ કરવા પહોંચી છે. ઉત્તર જિલ્લાના ડીસીપી મનોજ કુમાર મીના, ACP રેન્કના ઘણા અધિકારીઓ ત્યાં હાજર છે. આ કેસમાં કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવવા છતાં તેઓ ઈડી સમક્ષ હાજર થયા નથી.