રાજકોટમાં વડાપ્રધાનનો રોડ શો યોજવા વિચારણા
કલેકટર તંત્ર અને રાજ્ય સરકાર પી.એમ.ઓ.ના સતત સંપર્કમાં
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટની તારીખ ફરી ગઈ છે અને હવે 8-9 જાન્યુઆરીને બદલે 10-11 જાન્યુઆરીએ યોજાશે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના હોવાથી તંત્રમાં દોડધામ થઇ ગઈ છે. કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન આવી રહ્યા હોવાથી આ સમિટનુ સ્વરૂપ બદલાશે અને મહત્વ પણ વધી જશે. આ સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવે ત્યારે તેમનો રોડ-શો યોજવાના વિકલ્પ અંગે ચર્ચા શરુ થઇ ગઈ છે.
આ સુત્રોએ કહ્યું કે હાલમાં બે પ્લાન વિચારાયા છે. પ્લાન-એ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 જાન્યુઆરીએ હીરાસર એરપોર્ટ આવે અને ત્યાંથી આર્મીના હેલીકોપ્ટરમાં જુના એરપોર્ટ આવે. આ પછી જુના એરપોર્ટથી માધાપર ચોકડી સુધી રોડ-શો યોજવો. આ માટે રૂટ અને પ્લાન અંગે પ્રાથમિક ચર્ચા શરુ થઇ ગઈ છે. જો આ પ્લાન એપ્રુવ થશે તો એરપોર્ટથી કિસાનપરા અને ત્યાંથી રૈયા રોડ થઈને રૈયા ચોકડી તથા ત્યાંથી બીઆરટીએસ રુટ ઉપરથી માધાપર ચોકડી સુધી આ રોડ શો યોજાશે. માધાપર ચોકડીથી વડાપ્રધાન સીધા મોરબી રોડ ઉપર મારવાડી યુનિવર્સીટીના કેમ્પસ સુધી પહોંચશે.
પ્લાન-બી પ્રમાણે વડાપ્રધાન એરફોર્સ-1માં હીરાસર એરપોર્ટ આવે અને ત્યાંથી હેલીકોપ્ટરમાં મારવાડી યુનિવર્સીટીમાં જાય અને ત્યાં હેલીપેડ ઉપર લેન્ડ કરે..આ સુત્રોએ કહ્યુ હતું કે, ઉચ્ચ અધિકારીઓની ટીમે મારવાડી કેમ્પસનું નિરીક્ષણ કર્યું છે અને જો હેલીપેડ બનાવવાનું થાય તો કેમ્પસમાં જ બિલ્ડીંગની પાછળના ભાગે નદી કાંઠા વિસ્તારમાં હેલીપેડ બનાવવા પડે. કુલ ચાર હેલીપેડ બનાવવા પડે એટલે એ મુજબની જગ્યા અને જરૂરી સલામતિની ચકાસણી કરવામાં આવી રહી છે.
વધુમાં જો વડાપ્રધાન નરેન્દ્ર્ મોદી રાજકોટમાં હાજરી આપશે તો દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ હાજરી આપશે. અદાણી-અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ પણ હાજરી આપી શકે છે. અદાણી-અંબાણીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણા ઉદ્યોગ સ્થાપ્યા છે અને હજુ આવનારા દિવસોમાં અન્ય ઉદ્યોગગૃહો પણ સૌરાષ્ટ્રમાં મોટું રોકાણ કરી શકે તેવી સંભાવના છે.
