માયાવતીને દ્રાક્ષ ખાટી લાગી : બસપા દેશમાં ક્યારેય પેટા ચૂંટણી નહી લડે તેવી જાહેરાત
બોગસ વોટિંગ થાય છે અને ચૂંટણી પંચ યોગ્ય પગલાં નહી લ્યે ત્યાં સુધી પેટા ચૂંટણીથી અલિપ્ત રહેશુ
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક પણ બેઠક નહી જીત શકનાર બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ હવે ક્યારેય તેમનો પક્ષ પેટા ચૂંટણી નહી લડે તેવી જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે ચૂંટણીમાં ફેક વોટ પડ્યા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, જ્યાં સુધી દેશમાં ફેક વોટ પડવાના બંધ નહીં થાય, દેશના ચૂંટણી પંચ દ્વારા કોઈ યોગ્ય પગલું ભરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં કોઈપણ પેટાચૂંટણી નહીં લડે.
માયાવતીએ કહ્યું, ‘ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભાની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં આ વખતે જે મતદાન થયું છે અને ત્યારબાદ જે પરિણામ આવ્યા છે, તેને લઈને લોકોમાં સામાન્ય ચર્ચા છે કે, પહેલાં દેશમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરૂપયોગ કરવા ફેક વોટ નાંખવામાં આવતા અને હવે તો ઈવીએમ દ્વારા પણ આ કામ કરવામાં આવી રહ્યું છે, જે લોકતંત્ર માટે ખૂબ જ ચિંતાની વાત છે. દેશમાં લોકસભા અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ખાસ કરીને પેટાચૂંટણીમાં તો હવે આ કામ ખુલીને કરવામાં આવી રહ્યું છે. આ બધું હાલમાં જ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં જોવા મળ્યું છે.
માયાવતીએ વધુમાં જણાવ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રાજ્યમાં વિધાનસભામાં થયેલાં સામાન્ય ચૂંટણીમાં પણ તેને લઈને ઘણાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ અમારા દેશ અને લોકતંત્ર માટે જોખમની ઘંટડી પણ છે. આવી સ્થિતિમાં હવે અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી ફેક વોટ બંધ કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા કોઈ કડક પગલાં નહીં લેવામાં આવે, ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં હવે કોઈપણ પેટાચૂંટણી નહીં લડે. અમારી પાર્ટી દેશમાં લોકસભા તેમજ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તથા સ્થાનિક સંસ્થાઓ ચૂંટણી પૂરી તૈયાર અને દમદારી સાથે લડશે.’