‘પત્રિકા કાંડ’ મુદ્દે ભાજપની ફરિયાદ વ્યૂહાત્મક ભૂલ? ક્ષત્રિયો બાદ પાટીદારોના મતોના વિભાજનની ભીતિ
રાજકોટની ચૂંટણીઓમાં અને તે સિવાયના સમયે પણ નામી-નનામી પત્રિકાઓ વહેંતી થવી તે સામાન્ય બાબત રહી છે. પરંતુ, આ વખતે લેઉઆ પટેલ સમાજને ટિકીટમાં અન્યાયના મુદ્દે ‘જાગો લેઉઆ પટેલ જાગો ‘એવા શિર્ષક સાથે અનામી પત્રિકા કેટલાક લત્તામાં વહેંતી થયા બાદ ભાજપે તેમાં પોલીસને રજૂઆત કરીને ફરિયાદ નોંધાવતા અને ચાર પાટીદાર યુવાનોની અટકાયત થતા આ પત્રિકા સૌરાષ્ટ્ર અને રાજ્યવ્યાપી ચર્ચા બની ગયેલ છે. ભાજપ (BJP)ની આ વ્યુહાત્મક ભૂલ હોવાનું કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે.
રાજકોટમાં કડવા સામે લેઉઆ વચ્ચે જંગ જામશે
લોકસભા ચૂંટણી માટે ભાજપે રાજકોટ બેઠક પર સતત ત્રીજી ટર્મ કેન્દ્રીય મંત્રી અને કડવા પટેલ જ્ઞાાતિના પરશોત્તમ રૂપાલા ને ટિકીટ આપી છે અને કોંગ્રેસ એ રૂપાલા સામે અમરેલીના જ અને લેઉઆ પટેલ જ્ઞાાતિના પરેશ ધાનાણી (Paresh Dhanani)ને ટિકીટ આપી છે. બન્ને વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. જેમાં રૂપાલાના રાજા-મહારાજાઓ વિષેના ઉચ્ચારણોથી ક્ષત્રિયોએ રાજકોટમાં શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસને ટેકો આપ્યો છે તે સંભવિત ડેમેજને કંટ્રોલ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે ત્યારે ભાજપમાં કડવા-લેઉઆ પટેલનો વિવાદ પત્રિકાના પગલે ચર્ચાનો વિષય બન્યો છે.ઉલ્લેખનીય છે કે ભાજપે આ પહેલા ક્ષત્રિય આંદોલનના મંડાણ થાય તે પૂર્વે તેમાં સમાધાન માટે ક્ષત્રિયોની સંસ્થાઓ સાથે બેઠક,સંમેલન કરવાને બદલે માત્ર ભાજપના નેતાઓનું સંમેલન કરીને પણ વ્યુહાત્મક ભૂલ કરી હતી.
ચાર પાટીદાર યુવાનોની અટકાયત થઈ
આજે પાટીદાર મતોના વિભાજનને ટાળવા ભાજપના સમર્થનમાં લેઉઆ પાટીદાર અને કડવા પાટીદારનું સંયુક્ત સ્નેહમિલનનો કાર્યક્રમ અહીંના નવા રીંગરોડ પર પરસાણા ચોક ખાતે આજે રાત્રે યોજાયો હતો. લેઉઆ અને કડવા પાટીદારોનું આ સંયુક્ત સ્નેહમિલન હતું જેમાં મંચ પર મુખ્યત્વ ભાજપના પાટીદાર સમાજમાંથી આવતા નેતાઓની જ હાજરી જણાતી હતી. જો કે ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા ન્હોતા. ભાજપના નેતાઆએ એવી માન્યતા વ્યક્ત કરી કે દર વખતે ચૂંટણી ટાણે લેઉઆ પટેલ સહિતના સમાજમાં અસંતોષ અને નારાજગી ટિકીટ ફાળવણી સહિતના મુદ્દે વ્યક્ત થતી હોય છે અને પછી સમાજ કમળને મત આપી દેતો હોય છે તેનું આ વખતે પણ પુનરાવર્તન થાય તેવી આશા છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પાટીદાર સમાજ તેને તક આપે તેવી આશા રાખી રહ્યો છે. દરમિયાન પત્રિકા કાંડની તપાસ કરતા એ ડિવિઝન પી.આઈ. હરીપરાએ જણાવ્યું કે ચાર પાટીદાર યુવાનોની અટકાયત થઈ છે જેઓ કોર્ટમાં જામીન પર મુક્ત થયેલ છે. જે વિસ્તારમાં પત્રિકા વહેંચાઈ તેના સીસીટીવી ફૂટેજ મેળવાયા છે પરંતુ, આ પત્રિકા કોણે છપાવી અને કોણે વિતરણ કરવા આપી તે અંગે હજુ તપાસ ચાલુ છે.