RMCના બજેટને ભાજપે વખાણ્યું, કોંગ્રેસે વખોડ્યું : શાસકોએ વિપક્ષનો ‘વારો’ જ ન આવવા દીધો…
- સ્ટેન્ડિંગ ચેરમેને એ ટુ ઝેડ બજેટ વાંચ્યું, વચ્ચે શાયરીઓ પણ લલકારી: વિપક્ષના નેતા જેવા ઉભા થયા કે `તમારી પાસે કોઈ મુદ્દો છે જ નહીં’ કહીને ચૂપ કરાવી દેવાયા
- ભાજપે કહ્યું, આ બજેટ રાજકોટને ખરેખર રહેવાલાયક બનાવશે, કોંગ્રેસે કહ્યું, વાહવાહી લૂંટવા સિવાય તમને બીજું આવડે છે શું ?
રાજકોટ મહાપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ બુધવારે તેને જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. અપેક્ષા પ્રમાણે જ એક કલાક સુધી બજેટના ગુણગાન ગવાયા હતા. ધ્યાન ખેંચનારી વાત એ રહી કે શાસકોએ વિપક્ષ માટે બોલવાનો વારો જ આવવા દીધો ન્હોતો. એકંદરે ભાજપે બજેટને વખાણ્યું હતું તો કોંગ્રેસે વખોડ્યું હતું અને એક કલાક સુધી વખાણવા-વખોડવાની `ભાટાઈ’ ચાલ્યા બાદ આખરે બહુમતિના જોરે બજેટને મંજૂરીની મ્હોર લગાવાઈ હતી.
આ બજેટ અંગે બોલવાનો પ્રારંભ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કર્યા બાદ બજેટના પહેલાંથી લઈ છેલ્લા અક્ષર સુધી તેનું વાંચન કર્યું હતું સાથે સાથે શાયરીઓ પણ લલકારતાં ગયા હતા. બજેટની સ્પીચ પૂર્ણ થયા બાદ ભાજપના કોર્પોરેટરોએ વારાફરતી ઉભા થઈને અલગ-અલગ યોજનાઓના ગુણગાન ગાયા હતા. આખરે ભાજપના કોર્પોરેટરોના વખાણ પૂર્ણ થયા કે વિપક્ષી નેતા વશરામ સાગઠિયા ઉભા થયા હતા અને ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ના બજેટને સરખાવાનું શરૂ કર્યું હતું તો બજેટમાં કાગળ પર જ રહી ગયેલી યોજનાનો ઉલ્લેખ કરવાનું શરૂ કરતાં જ સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ મેયર, દંડક, પૂર્વ વિપક્ષી નેતા સહિતના ઉભા થઈ ગયા હતા અને સાગઠિયાને ટોકવાનું શરૂ કરી દીધું હતું.
ક્યાંય પોતાનો બોલવાનો `વારો’ આવશે જ નહીં તેવું લાગતાં સાગઠિયા છેવટ સુધી ઉભા રહ્યા હતા. બજેટ મંજૂર કરતી વખતે મેયરે ભાષણ આપ્યું ત્યારે પણ તેમણે બોલવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને બોલવા દેવામાં આવ્યા ન્હોતા.

મેયરને લાગ્યું ફરી માઠું: બેઠક છોડી રવાના થતાં દોડધામ
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા જ્યારથી સરકારી કાર લઈને મહાકુંભમાં સ્નાન કરીને પરત આવ્યા છે ત્યારથી લઈને જનરલ બોર્ડની સંકલન બેઠક મળી ત્યાં સુધી વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. અગાઉ મેયર બે રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાડે કાર લઈ ગયાનું નિવેદન અપાયા બાદ તેમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ભાડા બાબતે કાચું કાપ્યાનું સામે આવતાં મામલો ઠરી ગયો છે તેવું જાહેર કરી દેવાયું હતું. ત્યારબાદ જનરલ બોર્ડ પહેલાં મળતી સંકલન સમિતિની બેઠકમાં મેયર દ્વારા આભાર પ્રસ્તાવનું વાંચન શરૂ કરાયું ત્યારે અમુક કોર્પોરેટરો હસવા લાગતાં મેયરને માઠું લાગી ગયું હતું અને તેઓ બેઠક છોડીને પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. વાત વધી જશે તેવું લાગતાં જ શહેર ભાજપ પ્રમુખ સહિતના મેયરની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને મનાવવા માટે પ્રયાસો પણ કર્યા હતા. જો કે કોઈને માઠું લાગ્યું હોવાનું પૂછવામાં આવતાં જ મેયર, શહેર પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.