દિલ્હીમાં ભાજપે કરી વચનોની લ્હાણી : ચૂંટણી ઢંઢેરો જાહેર
-મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી
-હજુ બીજા સંકલ્પ જાહેર કરવાની જાહેરાત કરતા જે.પી.નડ્ડા
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે અને ભાજપ-કોંગ્રેસ તથા આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને મતદારોને અનેક વચનો આપ્યા હતા. ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ આ વચનોને નરેન્દ્ર મોદીની ગેરેંટી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આ ગેરેંટી પૂરી થવાની પણ ગેરેંટી છે.
જેપી નડ્ડાએ કહ્યું કે દિલ્હીની મહિલાઓ માટે મહિને 2500 રૂપિયા મહિલા સમૃદ્ધિ યોજના પ્રથમ કેબિનેટમાં પસાર કરવામાં આવશે. એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી મળશે. હોળી અને દિવાળીમાં 1 સિલિન્ડર વધારાનો મળશે. 21000 રૂપિયા પ્રસૂતિ સુરક્ષા યોજના હેઠળ આપવામાં આવશે. 6 પોષણ કીટ અલગથી આપવામાં આવશે.
તેમણે કહ્યું, “અમે તમામ વિભાગોનો સંપર્ક કર્યો. 1 લાખ 80 હજાર સૂચનો મળ્યા. 12 હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો. સંકલ્પ પત્ર ત્રણ ભાગમાં હશે. હું આજે પહેલો ભાગ રિલીઝ કરી રહ્યો છું. બીજો અને ત્રીજો પછી આવશે.”
જેપી નડ્ડાએ કહ્યું, “આમ આદમી પાર્ટીએ 2018થી દિલ્હીના 51 લાખ લોકોને આયુષ્માન ભારત યોજનાથી વંચિત રાખ્યા છે. અમે પ્રથમ કેબિનેટમાં દિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ કરીશું. દિલ્હી સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું વધારાનું કવર આપવામાં આવશે. આરોગ્ય કેન્દ્ર દ્વારા દિલ્હીના લોકોને 5 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે અને આયુષ્માન ભારત યોજના હેઠળ દિલ્હીના લોકોને 10 લાખ રૂપિયાનો કુલ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.
વરિષ્ઠ નાગરિકો માટે, અમારી સરકાર 60 થી 70 વર્ષની વયના લોકો માટે તેને 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરશે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોનું પેન્શન 2500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું.