કેદારનાથ પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના : પહાડી પરથી ખડકો પડતાં 3 શ્રદ્ધાળુનાં મોત
કેદારનાથના પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના બની હતી. ગૌરીકુંડ પાસે રવિવારે સવારે પહાડી પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. પહાડોમાં વરસાદને કારણે વારંવાર લેન્ડ સ્લાઈડના કિસ્સાઓ બને છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના લેન્ડ સ્લાઇડને કારણે થઈ છે.
પદયાત્રાના માર્ગ પર અકસ્માત સર્જાયો
કેદારનાથ પદયાત્રાના માર્ગ ચીરબાસા પાસે પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવરે જણાવ્યું કે કેદારનાથ યાત્રા માર્ગ ચિરબાસા પાસે પહાડી પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતાં કેટલાક શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી છે.
NDRFએ બચાવ કામગીરી શરૂ કરી
જિલ્લા પ્રબંધન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ યાત્રાના માર્ગ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી. રેસ્ક્યુ ટીમ દ્વારા ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, ત્રણેય મૃત મળી આવ્યા છે. આઠ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સીએમ ધામીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેદારનાથ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, હું આ બાબતે સતત અધિકારીઓના સંપર્કમાં છું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.