બાંગ્લાદેશ ભડકે બળે છે સંસદ ભંગ
૪૪૦નાં મોત: ઠેર-ઠેર આગજની અને તોડફોડ: હિન્દુ
પરિવારોના બિઝનેસ મથકો અને મંદિરો પર હુમલા: ન્યૂયોર્કમાં
પણ બાંગ્લાદેશ દૂતાવાસમાં તોડફોડ: વચગાળાની સરકાર રચવા
કવાયત: મહંમદ યુનુસ ચીફ એડવાઇઝર બને તેવી શક્યતા
બાંગ્લાદેશમાં અરાજકતા અને હિંસા હજુ પણ યથાવત રહ્યા છે. સોમવારે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં થોડા સમય માટે આસરો લીધો છે. એમના ભારત આવી ગયા બાદ પણ બાંગ્લાદેશમાં હિંસાનો દોર યથાવત રહ્યો છે અને અલગ-અલગ શહેરો ભડકે બળી રહ્યા છે. સત્તાવાર અહેવાલો મુજબ મંગળવાર બપોર સુધીમાં બાંગ્લાદેશની ભયાનક હિંસામાં કુલ ૪૪૦ લોકોના મોત થઈ ચૂક્યા હતા.
બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર તમામ પક્ષોને સાથે રાખીને રચવાની દિશામાં આર્મીના વડા આગળ વધી રહ્યા છે અને તેની વચ્ચે મંગળવારે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શહાબુદ્દીને સંસદ સત્તાવાર રીતે ભંગ કરવાની જાહેરાત કરી દીધી હતી. મુખ્ય વિપક્ષના નેતા અને શેખ હસીનાના કટ્ટર વિરોધી ખાલીદા ઝીયા પણ જેલની બહાર આવી ગયા છે અને તેઓ પણ સરકાર રચવાની દિશામાં ચક્રો ગતિમાન કરી રહ્યા છે. વચગાળાની સરકારમાં ત્યાંના નેતા મહંમદ યુનુસ ચીફ એડવાઇઝર બને તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં અલગ-અલગ શહેરોમાં હિન્દુ પરિવારોના બિઝનેસ મથકો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. ઈસ્કોન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં આ અંગે ચિંતા પણ દર્શાવી હતી અને સાથોસાથ શેખ હસીના હજુ ભારતમાં જ રહેશે તેવી માહિતી પણ આપી હતી.
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધા બાદ પણ દેખાવકારોનો ઉત્પાત ચાલુ જ રહ્યો હતો. ન્યૂયોર્કમાં પણ બાંગ્લાદેશના વાણિજ્ય દૂતાવાસમાં ઘૂસી જઈને બાંગ્લાદેશી તોફાનીઓએ હંગામો કર્યો હતો અને શેખ મુજીબની તસવીરો તોડી નાખી હતી. બાંગ્લાદેશમાં આગજની, પથ્થરમારો મંગળવારે પણ ચાલુ જ રહ્યા હતા. આર્મીના વડાએ શાંતિ રાખવાની અપીલ કરી હતી પણ દેખાવકારોની ધમાલ ચાલુ જ રહી હતી.
 
         
			 
		 
         
  
  
  
 
 
     
                                     
		         
		         
		        