રાહુલ ગાંધીની ‘યાત્રા’ના પ્રારંભે જ કોંગ્રેસને ઝટકો, વાંચો શું થયું
કોંગ્રેસ સાથેના 55 વર્ષના પારિવારિક સબંધનો અંત
મિલિંદ દેવરા કોંગ્રેસ સાથે છેડો ફાડી શિવસેનામાં જોડાઈ ગયા
કોંગ્રેસને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રથમ દિવસે જ જબરો ઝાટકો લાગ્યો હતો.કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા તેમના પરિવારનો કોંગ્રેસ સાથેનો પાંચ દાયકાનો સબંધ તોડીને રવિવારે શિવસેના (શિંદે જુથ) માં જોડાઈ ગયા હતા.
મિલિંદ દેવરા 2004 અને 2009 ની લોકસભાની ચૂંટણીમાં મુંબઈ દક્ષિણની બેઠક ઉપરથી વિજયી થયા હતા.તેમના પિતા મુરલી દેવરા પણ એ જ બેઠકો ઉપરથી ત્ર્ણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.એ બેઠક દેવરા પરિવારનો ગાઢ ગણાતી હતી.પરંતુ 2014 અને 2019 માં મિલિંદ દેવરાનો શિવસેનાના ઉમેદવાર અરવિંદ સાવંત સામે પરાજય થયો હતો. સાવંત હાલમાં શિવસેના ( ઠાકરે જૂથ) સાથે છે અને કોંગ્રેસનું શિવસેના ( ઠાકરે ) સાથે ગઠબંધન છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એ બેઠક તેમને જ ફાળવવામાં આવશે તે સ્પષ્ટ બન્યું હતું.આ સંજોગોમાં તેમણે કોંગ્રેસ છોડી હોવાનું માનવામાં આવે છે.કોંગ્રેસે દેવરાની વિદાયથી કંઈ ફેર નહીં પડે તેવો દાવો કરીને રાહુલની યાત્રાના પ્રથમ દિવસે જ મિલિંદનો કોંગ્રેસ છોડવાનો સમય નરેન્દ્ર મોદીએ નક્કી કર્યો હોવનો આક્ષેપ કર્યો હતો.શિવસેના મિલિંદ દેવરાને રાજ્યસભામાં મોકલશે તેવું માનવામાં આવે છે.
મુરલી દેવરા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા.
મિલિંદ ના પિતા મુરલી દેવરા ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા.સત્તત પાંચ ટર્મ સુધી તેમણે લોકસભા અને રાજ્ય સભાના સાંસદ તરીકે સેવાઓ આપી હતી અને કેબિનેટ મિનિસ્ટર તરીકે અનેક મહત્વના ખાતા સંભાળ્યા હતા.તેમણે 22 વર્ષ સુધી મુંબઈ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
કોંગ્રેસ ઉદ્યોગપતિઓની દુશ્મન: મિલિંદ દેવરા
છેડો ફાડ્યા બાદ મિલિંદ દેવરાએ કહ્યું કે મારા પિતા 1968માં કોંગ્રેસમાં જોડાયા અને હું 2004માં જોડાયો એ કોંગ્રેસમાં હાથી ઘોડાનો ફેર હતો.જે કોંગ્રેસે 30 વર્ષ પહેલાં આર્થિક સુધારણાનો માર્ગ અપનાવ્યો હતો તે કોંગ્રેસ આજે ઉદ્યોગપતિઓને દેશદ્રોહી ગણાવે છે.કોંગ્રેસ માત્ર નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાનું જ કામ કરે છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે જો કોંગ્રેસ અને શિવસેના ( ઠાકરે ) એ મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કર્યું હોત તો આજે હું કે એકનાથ શિંદે બે માંથી કોઈ અહીંયા ન હોત.
રાહુલ બ્રિગેડની વધુ એક વિકેટ ખડી
કોંગ્રેસમાં એક સમયે રાહુલ બ્રિગેડના ગણાતા એક પછી એક યુવા નેતાઓ કોંગ્રેસ છોડતા રહ્યા છે.આ અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતિન પ્રસાદ, આર.પી.સિંઘ અને સુષ્મિતા દેવ જેવા નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે અને હવે તેમાં મિલિંદ દેવરાનું નામ ઉમેરાઈ ગયું છે.