આજથી વિધાનસભાનું બજેટ સત્ર : કાલે બજેટ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાત થવાની સંભાવના
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી શરુ થઇ રહ્યું છે જે 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.
આગામી એપ્રિલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી તે પૂર્વે આ બજેટમાં મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
સરકાર ત્રણ ખરડા લાવવાની તૈયારીમાં
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ત્રણ જેટલા વિધેયક લાવવાની તૈયારીમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. આ પૈકી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા વિધેયક છે. આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે, ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાનાં દ્વાર ખુલ્લાં થશે તેમ સૂત્રોનું કહેવું છે. જોકે આ બિલની ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં આવી નથી. જે કેબિનેટની મંજૂરી બાદ જાહેર થશે. સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિન ખેતી થતી ન હતી. આથી તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તે જમીન બિન ખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે. ૩૦ જૂન, ૨૦૧૫ અથવા તે પહેલાં ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવે તેવી શક્યતા છે. દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં આ બિલ લાવવામાં આવશે, જ્યારે બાકીનાં બે બિલ ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવે તેવી શક્યતા છે.
આથી વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણ શનિવારની બેઠકમાં ફેરફાર કરવો પડે તેમ છે. આ ફેરફાર માટે ૩૧જાન્યુઆરીને બુધવારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ફેબ્રુઆરી મહિના ત્રણ શનિવારે ગોઠવવામાં આવેલી બેઠકો રદ કરવામાં આવે તેવી શક્યતા છે.