બાંગ્લાદેશમાં સેનાનો બળવો તખ્તાપલટો
શેખ હસીનાનું વડાપ્રધાન પદેથી રાજીનામું: દેશ સેનાના હવાલે: પીએમ હાઉસમાં લૂંટફાટ-આગચંપી:
હસીના સેનાના હેલિકોપ્ટરમાં ભાગી થોડા સમય માટે ભારત આવ્યા: દેશ છોડવા માટે સેનાએ ૪૫ મિનિટનો
સમય આપ્યો હતો: બનેવી અને આર્મીના વડા સાથે ગંભીર મતભેદો: વચગાળાની સરકાર બનશે
અનામત વિરોધી આંદોલનની આગમાં એક મહિના સુધી સળગ્યા બાદ અને સેંકડો લોકોના જીવ ગયા બાદ અંતે બાંગ્લાદેશમાં ભયંકર અરાજકતા અને હિંસા વચ્ચે સત્તાપલટો થયો હતો અને સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. સેનાના આડકતરા ઇશારા અને સહકારથી અનામત વિરોધી આંદોલન અતિ ભયંકર બની ગયું હતું. સેનાએ બળવો કરી દીધો હતો. હવે દેશ સેનાના હવાલે થઇ ગયો છે. શેખ હસીનાના બનેવી આર્મીના વડાએ જ સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો અને લોકો પર ફાયરિંગ અટકાવી દીધું હતું.
આખા દેશમાં સેના ઉતારવાનો આર્મીના વડાએ ઇનકાર કરી દીધા બાદ શેખ હસીનાને દેશ છોડવા માટે ૪૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. હસીનાએ જરા પણ મોડું કર્યા વગર સેનાના હેલિકોપ્ટરમાં રવાનગી પકડી લીધી હતી. તેઓ થોડા સમય માટે ભારત આવ્યા હતા. સેનાના બળવા સામે તેઓ લાચાર બની ગયા હતા. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે તેની જાણ થતાં દેખાવકારો એમના ઘરમાં, બેડરૂમમાં ઘૂસી ગયા હતા અને લૂંટફાટ કરી હતી. ગૃહમંત્રીના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. એમના ૫િતા શેખ મુજીબુર રહેમાનની મૂર્તિ પીએમ હાઉસમાં તોડી નાખવામાં આવી હતી અને હજારો દેખાવકારો પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા.
બાંગ્લાદેશની આર્મીના વડા જનરલ વકારે સોમવારે બપોરે એવી જાહેરાત કરી હતી કે શેખ હસીનાનું રાજીનામું લઇ લેવાયું છે. હવે દેશમાં શાંતિની જરૂર છે. તમામ પક્ષો સાથે મળીને હવે વચગાળાની સરકાર બનશે. એમણે હિંસા રોકવા અને શાંતિ સ્થાપવામાં મદદ કરવા અપીલ કરી હતી. દેશની કાયદો-વ્યવસ્થા હવે સેનાના હવાલે છે.
હિંડન એરબેઝ પર સાંજે વિમાન લેન્ડ થયું
બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી ભાગીને સેનાના હેલિકોપ્ટરમાં શેખ હસીના પોતાના બહેન સાથે ભારત આવી ગયા હતા અને એરફોર્સના હિંડન એરબેઝ પર એમનું વિમાન સાંજે લેન્ડ થયું હતું જ્યાં વાયુસેનાના અધિકારીઓએ તેમને રિસિવ કર્યા હતા.
હસીનાના બનેવી આર્મીના વડાએ હાથ ઊંચા કર્યા
શેખ હસીનાને સેનાના જનરલો સાથે ગંભીર મતભેદો ઊભા થઇ ગયા હતા. આખા દેશમાં સેના ગોઠવી દેવાનો બધા જ જનરલોએ ઇનકાર કરી દીધો હતો. એ જ રીતે દેખાવકારો પર ફાયરિંગ નહીં કરવાનો પણ આર્મીના વડાએ આદેશ આપી દીધો હતો. આ બારામાં શેખ હસીના સાથે મતભેદો થયા હતા. સેનાએ સરકારને પીછેહઠ કરવા કહી દીધું હતું.
હસીનાની પાર્ટીના ૬ નેતાઓનું લિન્ચિંગ
અનામત વિરોધી આંદોલન દરમિયાન હસીનાની સરકાર અને તેના મંત્રીઓ સામે દેખાવકારોએ અતિ ભયાનક ક્રોધ દર્શાવ્યો હતો અને એમની પાર્ટી આવામી લીગના ૬ નેતાઓનું લિન્ચિંગ કરી નાખ્યું હતું. એમના સેંકડો કાર્યકરોને ઘાયલ કરી દેવામાં આવ્યા હતા.
દેશને આઝાદી અપાવનારની પ્રતિમા તોડી
બાંગ્લાદેશમાં ભયંકર અરાજકતા અને હિંસાચાર ફેલાઇ ગયો હતો અને અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓ અને દેખાવકારોનો રોષ એટલો વધી ગયો હતો કે પીએમ હાઉસમાં રહેલી સંપૂર્ણ કદની શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પણ તોડી પાડવામાં આવી હતી. શેખ મુજીબે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. જેમાં ભારતનો પણ સારો રોલ રહ્યો હતો.
ઢાકામાં હસીનાની પાર્ટીની ઓફિસ સળગાવી દીધી
વિરોધી દેખાવકારોએ સોમવારે બપોરે ઢાકા સહિતના શહેરોમાં ભયંકર ઉત્પાત મચાવ્યો હતો અને ઢાકામાં આવેલી હસીનાની પાર્ટી આવામી લીગની ઓફિસમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. પીએમ હાઉસમાં પણ લૂંટફાટ અને તોડફોડ કરવામાં આવ્યા હતા.
દેશની જવાબદારી મારા ઉપર: આર્મીવડા જનરલ વકાર
સોમવારે બપોરે શેખ હસીનાએ રાજીનામું આપી દઇને જ્યારે દેશ છોડ્યો અને એમનું વિમાન ઢાકાથી રવાના થઇ ગયું ત્યારબાદ બાંગ્લાદેશી આર્મીના વડા જનરલ વકારે પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી કે શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે, તેઓ દેશ છોડી ગયા છે. હવે દેશની જવાબદારી મારા ખભે છે. તમામ પક્ષો સાથે મળીને વચગાળાની સરકાર બનશે. એમણે શાંતિ સ્થાપવામાં સહકાર આપવા અને હિંસા બંધ કરવાની અપીલ પણ કરી હતી.