અમેરિકા : વ્હાઇટ હાઉસના ગેટ સાથે કાર ટકરાતાં ડ્રાઈવરનું મોત
અકસ્માત કે હુમલાનો પ્રયાસ ? તપાસનીશો ધંધે લાગ્યા: દોડાદોડી મચી ગઈ
અમેરિકામાં વોશિંગ્ટન ખાતે આવેલા વ્હાઈટ હાઉસના બહારના દરવાજાને એક કારે ટક્કર મારી દીધી હતી. ટક્કર લાગતાં જ વ્હાઈટ હાઉસની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અને ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.
વોશિંગ્ટન પોલીસ અને વ્હાઈટ હાઉસે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહતી. આ સુરક્ષામાં ચૂક થઈ હતી કે અકસ્માત હતો તે વિશે હાલમાં કાઈ કહેવું તે ઉતાવળ હશે તેમ કહ્યું હતું. વ્હાઇટ હાઉસ યુએસ પ્રમુખનું અધિકૃત નિવાસસ્થાન અને કાર્યાલય છે.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે, તે પછી દરવાજો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અમેરિકન ગુપ્તચર એજન્સીના કહેવા પ્રમાણે, કાર વ્હાઇટ હાઉસના એક ગેટ સાથે ટકરાઈ હતી. જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે વ્હાઇટ હાઉસને કોઇ ખતરો નથી. હજુ સુધી ડ્રાઈવરની ઓળખ થઈ નથી. આ ડ્રાઈવર કોણ હતો અને તે વાહન લઈને અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે.