કૃષિ મંત્રી રાઘવજીભાઈ ની સિનર્જી હોસ્પિટલમાં સારવાર : શું કહ્યું ડોક્ટર જયેશ ડોબરીયાએ, જુઓ વિડિયો
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ રાઘવજી પટેલની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું. કૃષિ મંત્રીને બ્રેઇન સ્ટ્રોક આવતા મુખ્યમંત્રીએ પણ આ અંગે ડોકટરો સાથે વાતચીત કરી હતી અને રાઘવજી પટેલના પરિવાર સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલ શનિવારે જામનગર જિલ્લાના બેરાજા ગામે ગાવ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા. દરમિયાન એમને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાઘવજી પટેલને રાત્રે ત્રણેક વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. રવિવારે સવારે સિટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો ઉપરાંત ત્રણ દિવસ આઇસીયુમાં ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાઘવજીને બ્રેઇન સ્ટ્રોક આવ્યાની માહિતી મળતા જ ડોકટરો સાથે તેમણે વાતચીત કરી હતી અને સતત રાઘવજીના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા.
મહત્વનું છે કે, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય, રમેશ ટીલાળા, ઉદય કાનગડ, ભાજપના પ્રવક્તા રાજૂ ધ્રુવ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન જયમિન ઠાકર, યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, સહકારી ક્ષેત્ર સહિતના આગેવાનો સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કૃષિમંત્રીના પરિવારજનોને મળીને ખબર અંતર પૂછ્યા હતા.